અમરણના ડિરેક્ટરની ફિલ્મમાં કાર્તિક અને વિક્કી કૌશલ
- રાજકુમાર પેરિયાસામીનું હિંદીમાં ડેબ્યૂ
- બંનેને સ્ક્રિપ્ટ પસંદ પડી, તારીખોના અભાવે શૂટિંગ આવતાં વર્ષે શરૂ થશે
મુંબઈ : સાઉથની સમગ્ર ભારતમાં પણ બહુ જ વખણાયેલી અને જોવાયેલી ફિલ્મ 'અમરણ'ના દિગ્દર્શક રાજકુમાર પેરિયાસામી હવે હિંદી ફિલ્મ બનાવી રહ્યા છે. તેમની ફિલ્મમાં કાર્તિક આર્યન અને વિક્કી કૌશલ કામ કરે તેવી શક્યતા છે.
આ હિંદી ફિલ્મ ભૂષણ કુમાર પ્રોડયૂસ કરી રહ્યા છે. કાર્તિક અને વિક્કી બંને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ચૂક્યા છે અને તે તેમને પસંદ પણ પડી છે. જોકે, બંને કલાકારો હાલ બીજા અનેક પ્રોજેક્ટસમાં વ્યસ્ત હોવાથી તેઓ આ વર્ષે શૂટિંગ માટે તારીખો ફાળવી શકે તેમ નથી. આથી મોટાભાગે આવતાં વર્ષની શરુઆતમાં આ ફિલ્મ ફલોર પર જઈ શકે છે. ફિલ્મમાં સાઉથની હિરોઈન હશે કે પછી કોઈ બોલીવૂડ હિરોઈનને જ પસંદ કરવામાં આવશે તે અંગે અટકળો ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે 'અમરણ'માં શિવ કાર્તિકેયન, સાઈ પલ્લવી તથા રાહુલ બોઝ સહિતના કલાકારોએ કામ કર્યું હતું.