Kartik Aaryan: કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ 'તૂ મેરી મેં તેરા, મેં તેરા તૂ મેરી' બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. દર્શકોને આ જોડીનો રોમાન્સ કઈ ખાસ પસંદ પડ્યો નથી, જેના કારણે ફિલ્મ ફ્લોપ સાબિત થઈ છે. જોકે, આ નિષ્ફળતાની વચ્ચે કાર્તિક આર્યને એક એવો નિર્ણય લીધો છે જેના કારણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના વખાણ થઈ રહ્યા છે. અહેવાલો મુજબ, ફિલ્મને થયેલા નુકસાનમાં પ્રોડ્યુસર્સને મદદ કરવા માટે કાર્તિકે પોતાની નક્કી કરેલી ફીમાંથી 15 કરોડ રૂપિયા જતા કરવાનું નક્કી કર્યું છે. જ્યારે હિન્દી ફિલ્મો અત્યારે થિયેટરમાં સંઘર્ષ કરી રહી છે, ત્યારે કાર્તિકના આ પગલાને ખૂબ જ મેચ્યોર અને જવાબદારીભર્યું ગણાવવામાં આવી રહ્યું છે.
ફિલ્મ નિષ્ફળ જતાં પ્રોડ્યુસર્સના નુકસાનની ભરપાઈ કરી
સામાન્ય રીતે ફિલ્મો હિટ જાય ત્યારે કલાકારો જશ્ન મનાવે છે, પરંતુ નિષ્ફળતાના સમયે પ્રોડ્યુસર્સનો બોજ વહેંચવા માટે બહુ ઓછા કલાકારો તૈયાર થતા હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે કાર્તિકે માત્ર એક એક્ટર તરીકે નહીં પણ એક સાચા 'પાર્ટનર' તરીકે પ્રોડ્યુસર્સનો સાથ આપ્યો છે. અગાઉ પોતાની ફિલ્મ 'શહેઝાદા' ફ્લોપ થઈ ત્યારે પણ કાર્તિકે તેની ફીમાં કાપ મૂક્યો હતો, જે દર્શાવે છે કે તે માત્ર હિટ ફિલ્મો જ નહીં પણ લાંબા ગાળાના સંબંધોમાં વિશ્વાસ રાખે છે.
આ પણ વાંચો: અત્યંત અશ્લીલ ટિપ્પણી કરનારા હની સિંહે માફી માગી, ફેન્સને કહ્યું - ભૂલચૂક માફ કરશો!
કાર્તિક અને કરણ વચ્ચેના કથિત ઝઘડાના સમાચાર પાયાવિહોણા
બીજી તરફ, સોશિયલ મીડિયા પર કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે અણબનાવની અફવાઓ પણ ઉડી હતી. જોકે, આ સમાચાર તદ્દન પાયાવિહોણા હોવાનું સામે આવ્યું છે. ધર્મા પ્રોડક્શન્સના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે બંને વચ્ચે કોઈ ઝઘડો નથી. હકીકતમાં, કાર્તિક અત્યારે કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બની રહેલી આગામી ફિલ્મ 'નાગજિલા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. એટલું જ નહીં, બંને વચ્ચે ત્રીજી ફિલ્મ માટે પણ વાતચીત ચાલી રહી છે, જે સ્પષ્ટ કરે છે કે કાર્તિક અને કરણ વચ્ચેના પ્રોફેશનલ સંબંધો અત્યારે ખૂબ જ મજબૂત છે.



