- કીલ ફિલ્મના નિર્દેશક નિખિલ ભટની ફિલ્મને મોટો સ્ટુડિયોનું પીઠબળ
મુંબઇ : ૨૦૨૪માં આવેલી ફિલ્મ કીલથી જાણીતાં બનેલાં ફિલ્મ નિર્દેશક નિખિલ નાગેશ ભટની આગામી ફિલ્મમાં કાર્તિક આર્યન હીરો બનશે તેવા અહેવાલ છે. નિખિલ નાગેશ ભટની આગામી પૌરાણિક એકશન એડવેન્ચર ફિલ્મમાં હીરો તરીકે કાર્તિક આર્યન ચમકવા માંગતો હોઇ બંને વચ્ચે આ મામલે વાતચીત ચાલી રહી છે. બધું સુપેરે પાર પડશે તો કાર્તિક આર્યન ટૂંક સમયમાં નિખિલ સાથે આ ફિલ્મ માટે કરાર કરશે. કાર્તિકને નિખિલ નાગેશ ભટની ફિલ્મ કીલ ગમી હતી અને તેણે તેના વખાણ કરતાં જણાવ્યું હતું કે આ નિર્દેશક આગળ જતાં મોટી હસ્તી બને તેવી તમામ સંભાવનાઓ છે.
ભારતીય પૌરાણિક કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મ સામાન્ય માણસોને પણ ગમે તેવો વિષય ધરાવે છે. હાલ પૌરાણિક એક્શન ફિલ્મોની બોલબાલા છે તેમાં આ એક ઓર ફિલ્મ મહત્વની પુરવાર થશે. હાલ ફિલ્મમેકર નિખિલ નાગેશ ભટ પણ આ ફિલ્મને મોટા સ્ટુડિયોનું પીઠબળ મેળવવા માટે પ્રયત્નશીલ છે.
એક મોટા સ્ટુડિયો સાથે ફિલ્મના નિર્માણ અને ફાયનાન્સ માટે પણ નિખિલની વાટાઘાટો અંતિમ તબક્કામાં છે. કાર્તિક આર્યનના ચાહકો તેની આગામી ફિલ્મ નાગઝિલ્લા રજૂ થવાની રાહ જોઇ રહ્યા છે.


