બોલીવુડમાં ફિલ્મોના રીમેક અંગે કરણ જોહરે કર્યો ખુલાસો
મુંબઈ, તા. 10 ડિસેમ્બર 2022 શનિવાર
છેલ્લા ઘણા સમયથી બોલીવુડ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી નથી અને દર્શક બોલીવુડ ફિલ્મોને પસંદ કરી રહ્યા નથી જેના કારણે ઈન્ડસ્ટ્રી નુકસાન વેઠી રહી છે. દરમિયાન કરણ જોહરે હવે આના ગુનેગાર પોતાને ગણાવ્યા છે અને મોટુ નિવેદન આપ્યુ છે.
બોલીવુડની પરિસ્થિતિ માટે કરણે પોતાને જવાબદાર ઠેરવ્યા
ઈન્ડસ્ટ્રીમાં રીમેક ફિલ્મોનું ખૂબ ચલણ છે. જ્યાં જુઓ ત્યાં ફિલ્મના મેકર્સ અને કલાકાર રીમેકને બનાવવામાં લાગી ગયા છે, જે ના માત્ર બોક્સ ઓફિસ પર પરંતુ દર્શકોના મન પર પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે. કરણ જોહરે હવે આના ગુનેગાર પોતાને ગણાવ્યા છે. તેમણે કહ્યુ, સમગ્ર હિન્દી સિનેમામાં ખૂબ મોટી સમસ્યા છે કે આપણામાં કહાનીને મુદ્દે દ્રઢ વિશ્વાસ અને આસ્થા પણ નથી. આપણી પાસે સલીમ જાવેદના રૂપમાં અસલી અવાજ હતો જે સિનેમામાં જીવંત પાત્રને ઉતારતા હતા.
તેમણે કહ્યુ, 70ના દાયકા સુધી સલીમ જાવેદે જે વાસ્તવિક કહાણીઓ અને પાત્રને સાચવીને રાખ્યા હતા. આપણે તે 80માં દક્ષિણ ભાષાઓની ફિલ્મોનું રીમેક બનાવવાનું શરૂ કરી દીધુ. 80માં રીમેક બનાવવાનું શરૂ થઈ ગયુ. આ સિવાય 90 ના દાયકામાં આપણે લવ સ્ટોરી 'હમ આપકે હૈં કોન'ની સફળતાને જોતા લવ સ્ટોરી બનાવવાનું શરૂ કરી દીધુ અને આ તમામનો હુ પણ દોષી છુ. આ રીતે આપણે 70ના દાયકાના મૂળિયાને ગુમાવી દીધા.