- અગાઉ સત્તાવાર એન્ટ્રી હોમબાઉન્ડ શોર્ટલિસ્ટ થઈ ચૂકી છે
- રાધિકા આપ્ટેની યુકે પ્રોડક્શનની સિસ્ટર મીડનાઈટ પણ હોડમાં સામેલઃ ભારતમાંથી દશાવતાર, મહામંત્ર સહિતની ફિલ્મો પણ મોકલાઈ
મુંબઈ : ભારતમાંથી 'હોમબાઉન્ડ 'ફિલ્મ ઓસ્કરની હોડમાં શોર્ટલિસ્ટ થઈ ચૂકી છે. જોકે, વધુ બે ભારતીય ફિલ્મો 'કાંતારા ચેપ્ટર વન' તથા 'તન્વી ધી ગ્રેટ' પણ ખાનગી એન્ટ્રી તરીકે ઓસ્કરની હોડમા સામેલ થવા માટે લાયક ઠરી હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત એક બ્રિટિશ પ્રોડક્શન કંપનીએ બનાવેલી અને રાધિકા આપ્ટેની મુખ્ય ભૂમિકા ધરાવતી 'સિસ્ટર્સ મીડનાઈટ' પણ આ હોડમાં સામેલ થવાને પાત્ર ઠરી છે.
વિશ્વભરમાંથી ઓસ્કરમાં એન્ટ્રીનાં ધારાધોરણોની પૂર્તિ કરતી હોય તેવી ૨૦૧ ફિલ્મોની યાદી પ્રગટ કરાઈ છે. આ ધારાધોરણોમાં અમેરિકાનાં નિશ્ચિત શહેરોનાં થિયેટરોમાં ચોક્કસ મુદ્દત માટે ફિલ્મ શો સહિતની શરતોનો સમાવેશ થાય છે. 'કાંતારા ચેપ્ટર વન'માં ઋષભ શેટ્ટી તથા ઋક્મણિ વસંતની મુખ્ય ભૂમિકા છે. જ્યારે 'તન્વી ધી ગ્રેટ' માં શુભાંગી અને અનુપમ ખેર સહિતના કલાકારો છે.
બીજી તરફ ઓસ્કર માટે મોકલાઈ હોય તેવી જનરલ એન્ટ્રી લિસ્ટમાં સામેલ ફિલ્મોમાં ભારતની મરાઠી 'દશાવતાર', તમિલ 'ગેવી', ડોક્યુ ડ્રામા 'મહામંત્ર', 'પારો, ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ બ્રાઈડ સ્લેવરી', 'હ્યુમન્સ ઈન ધ લૂપ', ભારત અને ન્યુ ગિનિયાનાં જોઈન્ટ પ્રોડક્શનની 'પાપા બુકા' સહિતની ફિલ્મો સામેલ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્કરનાં આખરી નોમિનેશન્સ આગામી તા. ૨૨મી જાન્યુઆરીએ જાહેર કરાશે.


