રામાયણમાં રાવણ યશની પત્ની મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલ
- કાજલે શૂટિંગ શરૂ પણ કરી દીધું
- ઉત્તર અને દક્ષિણ ભારત બંનેમાં એકસરખી લોકપ્રિય હોવાના કારણે કાજલની પસંદગી
મુંબઈ: નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'રામાયણ'માં રાવણ તરીકે યશ ભૂમિકા ભજવી રહ્યો છે. તેની પત્ની મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલની પસંદગી થઈ હોવાનું જાણવા મળે છે. કાજલે મંદોદરી તરીકે પોતાના ભાગનું શૂટિંગ પણ શરુ કરી દીધું હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ તથા સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવી રહ્યાં છે.
ફિલ્મની ટીમને મંદોદરીના રોલમાં ઉત્તર અને દક્ષિણ ભારતના પ્રેક્ષકોમાં એકસરખી જાણીતી હોય તેવી કોઈ હિરોઈનની તલાશ હતી. આથી તેમણે કાજલ અગ્રવાલને આ રોલ માટે પસંદ કરી હોવાનું મનાય છે.
ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં છે. 'રામાયણ' સિરિયલના રામ તરીકે જાણીતા અરુણ ગોવિલ આ ફિલ્મમાં દશરથની ભૂમિકામાં છે.
ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળીએ રીલિઝ થવાનો છે. બીજો ભાગ ૨૦૨૭માં રીલિઝ થવાનો છે.