Updated: May 25th, 2023
- બોલીવૂડમાં વધુ એક સ્ટાર કીડની જોડી
- કરણ જોહર વરુણ ધવન અને ટાઈગર શ્રોફ સાથે એક્શન ફિલ્મ જાહેર કરે તેવી પણ ચર્ચા
મુંબઇ : આમિર ખાનનો દીકરો ઝુનૈદ તથા શ્રીદેવીની દીકરી ખુશી કપૂર તમિલ ફિલ્મ 'લવ ટૂડે' માટે ફાઈનલ થઈ ગયાં છે. બોલીવૂડમાં અનેક રિમેક બોક્સ ઓફિસ પર નિષ્ફળ છતાં સાઉથની વધુ એક ફિલ્મની રીમેકમાં આ સ્ટાર કિડ્ઝની જોડીને પસંદ કરવામાં આવી છે.
મૂળ ફિલ્મમાં પ્રદીપ પટવર્ધન અને ઈવાનાએ જે ભૂમિકા ભજવી હતી તે હિન્દીમાં ઝુનૈદ અને ખુશી ભજવશે. 'લાલસિંહ ચઢ્ઢા'ના ફલોપ ડાયરેક્ટર અદ્વૈત ચંદનને જ આ ફિલ્મનું દિગ્દર્શન સોપાયાનું કહેવાય છે.
ફિલ્મના અન્ય કલાકારો તથા બાકીની વિગતો માટે સત્તાવાર ઘોષણાની રાહ જોવાઈ રહી છે.
ખુશીની મોટી બહેન જાહ્નવી કપૂર લાંબા સમયથી બોલીવૂડમાં સક્રિય છે જોકે, તેને હજુ ઝાઝી સફળતા મળી નથી. બીજી તરફ ઝુનૈદના પિતા આમિર ખાને 'લાલ સિંહ ચઢ્ઢા' ફલોપ ગયા બાદ થોડા સમય માટે એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો છે.