બોલીવુડના પોપ્યુલર સિંગર જુબિન નૌટિયાલને અકસ્માત નડ્યો: પાંસળીઓમાં ફ્રેક્ચર અને માથામાં થઈ ઈજા
- નૌટિયાલને મુંબઈ ખાતેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈ, તા. 02 ડિસેમ્બર 2022, શુક્રવાર
પોપ્યુલર સિંગર જુબિન નૌટિયાલ સીડીઓ પરથી નીચે પડવાના કારણે ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટના શુક્રવારના રોજ સવારે બની હતી. તેમને મુંબઈ ખાતેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં સિંગરની કોણી અને પાંસળીમાં ફ્રેક્ચર થયું છે. જો કે બિલ્ડિંગની સીડીઓ પરથી ઉતરતી વખતે પડવાના કારણે માથામાં પણ ઈજા થઈ છે. તમને જણાવી દઈએ કે, જુબિન નૌટિયાલ હાલના દિવસોમાં 'તૂ સામને આયે', 'માનિકે', અને 'બના શરાબી' જેવા પોપ્યુલર ટ્રેન્ડિંગ ગીતો માટે ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઘાયલ થયા બાદ જુમિનના જમણા હાથનું ઓપરેશન કરવામાં આવશે. ડોક્ટોએ તેમને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
જુબિન નૌટિયાલ બોલિવુડના ફેમસ અને યુવાઓમાં સૌથી ફેવરિટ સિંગરમાંથી એક છે. તેમની સાથે થયેલા અકસ્માતના સમાચાર બાદ ચાહકો પણ નિરાશ થઈ ગયા હતા અને તેમના ઝડપથી સાજા થવાની કામના કરી રહ્યા છે. તાજેતરમાં જુબિન નૌટિયાલનું નવું ગીત 'તૂ સામને આયે' રિલીઝ થયું છે. તેમને ગુરૂવારના રોજ યોહાની સાથે ગીત રિલીઝ ઈવેન્ટમાં જોવા મળ્યો હતો.
જુબિન નોટિયાલના ગીતો ચાહકો વચ્ચે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પોતાના ગીતોના આધારે તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ ઉભી કરી છે. 'લુટ ગયે' થી શરૂ કરીને 'હમનવા મેરે' અને 'રાતા લંબિયા સુધી અનેક ગીતો એવા છે જે યુવાનોમાં ખૂબ જ પોપ્યુલર છે. તાજેતરમાં જ તેમણે વાયરલ ગીત 'માનિકે માગે હિતે' પણ ગાયું હતું. આ ગીતને અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને નોરા ફતેહી પર ફિલ્માવવામાં આવ્યું હતું.