જોન અબ્રાહમની તહેરાન થિયેટરને બદલે સીધી ઓટીટી પર આવશે
- જોનને ફિલ્મ ફલોપ થવાની બીક લાગી
- બહુ સિરિયસ સબ્જેકટ હોવાથી ટિકિટબારી પર દર્શકો નહિ મળે તેવી આશંકા
મુંબઈ : જોન અબ્રાહમની 'તહેરાન' ફિલ્મ થિયેટરને બદલે સીધી ઓટીટી પર રીલિઝ થવાની છે. ફિલ્મનો સબ્જેક્ટ બહુ સિરિયસ હોવાથી આ ફિલ્મ ટિકિટબારી પર નહિ ચાલે તેવી તેના નિર્માતાઓને શંકા છે.
આ ફિલ્મ 'સ્ત્રી' તથા 'છાવા' જેવી સુપરહિટ ફિલ્મો બનાવનારા દિનેશ વિજનની છે.
તેમણે તાજેતરમાં રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી જેવા કલાકારોની 'ભૂલચૂક માફ' થિયેટર રીલિઝના બે જ સપ્તાહમાં ઓટીટી પર રીલિઝ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. હવે કદાચ તેમને 'તહેરાન'ના કિસ્સામાં પણ તેની બોક્સ ઓફિસ પર કમર્શિઅલ સકસેસની બહુ ક્ષમતા નહિ હોવાનો અંદાજ આવી ગયો છે.
જોનની એક મુખ્ય એક્ટર તરીકેની આ પહેલી ફિલ્મ એવી હશે જે થિયેટરને બદલે સીધી ઓટીટી પર રીલિઝ થવાની છે. તેની લગભગ આવા જ વિષય પરની ફિલ્મ 'ધી ડિપ્લોમેટ' ૨૦ કરોડના બજેટમાં બન્યા પછી ટિકિટબારી પર ૪૦ કરોડ કમાઈ હોવાનો દાવો કરાયો હતો.
જોકે, બાદમાં આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ મળવાના ફાંફા પડી ગયા હતા.