તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર, વાસી ભોજન ખાધું અને સતત ભેદભાવ થયો; અભિનેત્રીનો દાવો
Jennifer Mistry Bansiwal: ટીવી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મિસિસ રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્રએ તેને સફળતા અને લોકપ્રિયતા પણ અપાવી હતી. જો કે, પ્રોડક્શન હાઉસ અને પ્રોડ્યુસર અસિત મોદી સાથે વિવાદના કારણે જેનિફરે 2023માં આ શૉ છોડી દીધો હતો. આ દરમિયાન તેણે અસિત મોદી સામે અવાજ ઉઠાવ્યો હતો. તેણે અસિત મોદી પર જાતીય હેરાનગતિનો પણ આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે અસિત મોદીએ તેની બાકી ફી નથી ચૂકવી. હવે એક ઈન્ટરવ્યૂમાં જેનિફરે પ્રોડક્શન હાઉસની પોલ ખોલી દીધી છે.
વાસી ખોરાક ખાવાની ટેવ પડી ગઈ હતી
જેનિફર મિસ્ત્રીએ જણાવ્યું કે, 'નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પહેલા મેં ઘણા પ્રોડક્શન હાઉસ સાથે કામ કર્યું હતું, દરેક જગ્યાએ ફેર કામ થાય છે. પરંતુ તારક મહેતા શોના પ્રોડક્શન હાઉસમાં કંઈ કહેવામાં નહોતું આવતું. અમે મહિલાઓ દરરોજ વાસી ભોજન લાવતા હતા. કારણ કે અમારો કોલ ટાઇમ 6:30 હતો. સેટ પર ખાવાનું નહોતુ બનતું. અમે વાસી ખોરાક લાવતા હતા. પુરુષોનો કોલ મોડો હતો. પુરુષોને મોડા બોલાવવામાં આવતા અને વહેલા છોડી દેતા હતા, પરંતુ મહિલાઓને વહેલી બોલાવીને પણ લેટ મોકલતા હતા. તેમનું માનવું હતું કે અમને મેકઅપમાં સમય લાગે છે. તો પછી અમને વહેલા બોલાવીને વહેલા કેમ નથી જવા દેતા. પુરુષો અને મહિલાઓ વચ્ચે થોડું તો બેલેન્સ કરો. પુરુષો ફ્રેશ ખોરાક ખાતા હતા. અમને તો વાસી ખોરાક ખાવાની ટેવ પડી ગઈ હતી.'
જેવું દેખાડે છે તેવું કંઈ જ નથી
અભિનેત્રીએ આગળ કહ્યું કે, અમે સેટ પર કોન્ટ્રિબ્યુટ કરીને માઈક્રોવેવ લીધું હતું. ટીમ તરફથી ઓવન કે ફ્રિઝ કંઈ જ નહોતું. ખબર નહીં આ કેવું પ્રોડક્શન હાઉસ હતું. જેવું તેઓ દેખાડે છે તેવું કંઈ જ નથી. કલાકારોને એકબીજા માટે પ્રેમ છે. પરંતુ તેઓ એકબીજા માટે ઉભા નથી રહેતા.