જેનિફર લોપેઝ, જસ્ટીન બીબર ઉદયપુરમાં વેડિંગમાં પરફોર્મ કરશે

- અમેરિકી અબજોપતિ પરિવારના ધામધૂમથી વેડિંગ
- ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર ઉપરાંત હોલીવૂડ અને બોલીવૂડમાંથી સંખ્યાબંધ સેલિબ્રિટી હાજર રહે તેવી ધારણા
મુંબઇ : ઉદયપુરમાં એક અમેરિકી અબજોપતિ પરિવારનાં ધામધૂમથી ઉજવાઈ રહેલા લગ્ન પ્રસંગની ભારે ચર્ચા થઈ રહી છે. આ વેડિંગમાં જેનિફર લોપેઝ તથા જસ્ટીન બીબર પણ પરફોર્મ કરવાનાં હોવાનું કહેવાય છે.
જેનિફર લોપેઝ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટૂ જૂનિયર પણ આ શાહી લગ્નમાં સામેલ થશે એવી ચર્ચા છે. આ ઉપરાંત સંખ્યાબંધ બોલીવૂડ તથા હોલીવૂડ સેલિબ્રિટીઓ પણ આ લગ્નમાં હાજરી આપે તેવી સંભાવના છે.
આ વેડિંગ માટે સમગ્ર ઉદયપુરની મોટાભાગની હોટલો બૂક થઈ ચૂકી છે. શહેરમાં ટ્રાફિક તથા સલામતી માટે વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જેનિફર અને ડોનાલ્ડ ટૂ જૂનિયરની સફરને ખાનગી રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલાં જેનિફરે પોતે ભારતમાં એક શો કરવાની હોવાનો સંકેત આપ્યો હતો.

