- બેબાક મંતવ્યો માટે પ્રસિદ્ધ સેલિબ્રિટી ડીપફેકનો ભોગ બન્યા
- ગાઝા તેમજ ધર્મ બાબતે ચર્ચા પછી નારાજ થયેલા જૂથે એઆઈ આધારીત ફેક વીડિયો વાયરલ કર્યાની સંભાવના
મુંબઈ : દિગ્ગજ લેખક-ગીતકાર જાવેદ અખ્તરે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એઆઈ સર્જિત બનાવટી વીડિયોની સખત શબ્દોમાં ટીકા કરી છે. વીડિયોમાં જાવેદ અખ્તરને ટોપી ધારણ કરેલા દેખાડવામાં આવ્યા છે અને દાવો કરાયો છે કે તેઓ હવે ધાર્મિક બની ગયા છે. વીડિયોને બકવાસ ગણાવીને જાવેદ અખ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના દુરુપયોગ બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરી અને જાહેર કર્યું છે કે આવો વીડિયો બનાવવા અને વાયરલ કરવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાનૂની પગલા લેવાનું તેઓ વિચારી રહ્યા છે.
પોતાના સોશિયલ મીડિયા પર અખ્તરે સ્પષ્ટતા કરી કે વીડિયોમાં કમ્પ્યુટર સર્જિત છબિનો ઉપયોગ કરાયો છે અને સંપૂર્ણપણે બનાવટી છે. તેમણે જણાવ્યું કે આવો ગેરમાર્ગે દોરતો કન્ટેન્ટ તેમની દાયકાઓ દરમ્યાન જાહેર જીવનમાં બનેલી પ્રતિષ્ઠા તેમજ વિશ્વસનીયતાને હાનિ પહોંચાડે છે. સખત શબ્દોમાં લખેલા સંદેશમાં તેમણે જણાવ્યું કે તેઓ આ બાબતે સાયબર પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરવાનો તેમજ બનાવટી વીડિયો બનાવનાર અને હેતુપૂર્વક તેને વાયરલ કરનારને જુઠાણુ ફેલાવવા અને બદનક્ષી કરવા માટે કોર્ટમાં ઘસડી જવાનો વિચાર કરી રહ્યા છે.
જાવેદ અખ્તરની પોસ્ટ પણ તુરંત વાયરલ થઈ અને નેટવપરાશકારો તરફથી વ્યાપક પ્રતિસાદ મળ્યો જેમણે ખાસ કરીને મનોરંજન ઉદ્યોગમાં એઆઈ ટેકનોલોજીના વધતા દુરુપયોગ બાબતે સમર્થન અને ચિંતા વ્યક્ત કર્યા.ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં અનેક સેલિબ્રિટીઓએ ડીપફેક તેમજ બનાવટી કન્ટેન્ટની આવી જ ઘટનાઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે જેમાં કેટલાકે તો તેમના વ્યક્તિત્વ અને છબિના અધિકારોની સુરક્ષા માટે કોર્ટનો આશ્રય લીધો હતો.
અહેવાલો મુજબ અખ્તરે ગાઝા, ઈશ્વર અને ન્યાય પર જાહેર ચર્ચામાં ભાગ લીધા પછી તુરંત આ બનાવટી વીડિયો વાયરલ થયો હતો. આ ચર્ચામાં મુફ્તી શામલી નદવી જેવા ઈસ્લામિક સ્કોલરે પણ હિસ્સો લીધો હતો. ચર્ચા દરમ્યાન જાવેદના સ્પષ્ટ વિચારોએ કેટલાક જૂથને નારાજ કર્યા હતા જેના પ્રતિસાદ તરીકે આવો ગેરમાર્ગે દોરતો વીડિયો બનાવીને વાયરલ કરાયો હતો.


