મુસ્લિમ પર્સનલ લો મુદ્દે જાવેદ અખ્તરે કહ્યુઃ એકથી વધુ પત્નીઓ રાખવાથી સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાનતા જળવાતી નથી
- કોમન સિવિલ કોડનો અર્થ સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાનતા પણ થાય છેઃ જાવેદ અખ્તર
- આજે જે રીતે કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે ભારતનો મિજાજ નથીઃ જાવેદ અખ્તર
મુંબઈ, તા. 05 ડિસેમ્બર 2022, સોમવાર
પ્રખ્યાત શાયર, ગીતકાર અને ફિલ્મ પટકથા લેખત જાવેદ અખ્તરે મુસ્લિમ પર્સનલ લોને તદ્દન ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, 'જો મુસ્લિમ પતિઓને એકસાથે 4 લગ્ન કરવાનો અધિકાર છે તો મહિલાઓને પણ એકથી વધુ પતિ રાખવાનો અધિકાર હોવો જોઈએ.' તેમણે કહ્યું હતું કે, એકથી વધુ પત્નીઓ રાખવાથી સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાનતા જળવાતી નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'એક સાથે એકથી વધુ લગ્ન કરવા એ દેશના કાયદા અને બંધારણના નિયમોની તદ્દન વિરૂદ્ધ છે.'
જાવેદ અખ્તરે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કોમન સિવિલ કોડનો અર્થ એ નથી કે તમામ સમુદાયો માટે એક જ કાયદો હોવો જોઈએ પરંતુ તેનો અર્થ સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાનતા પણ થાય છે. બન્ને માટે સમાન માપદંડ હોવા જોઈએ. અખ્તરે કહ્યું હતું કે, તેઓ પહેલાથી જ કોમન સિવિલ કોડનું પાલન કરી રહ્યા છે. જેના મનમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે સમાનતાનો વિચાર છે તેમણે કોમન સિવિલ કોડમાં રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના પુત્ર અને પુત્રીને સંપતિમાં સમાન અધિકાર આપશે.
જાવેદ અખ્તરે કહ્યું હતું કે, 'આજે દેશની સમસ્યા એ છે કે દેશને સરકાર અને સરકારને દેશ માનવામાં આવે છે. સરકાર તો આવે છે અને જાય છે પરંતુ દેશ હંમેશા રહેશે.' તેમણે કહ્યું હતું કે, 'જો કોઈ સરકારનો વિરોધ કરે છે તો તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવે છે. જ્યારે આવું ન થવું જોઈએ.' તેમણે જણાવ્યું હતું કે, 'દેશનો મિજાજ તો પહેલાથી જ લોકતાંત્રિક રહ્યો છે. હજારો વર્ષોથી દેશના લોકોનો મિજાજ ઉદારવાદી રહ્યો છે. તે ક્યારેય કટ્ટરવાદી રહ્યા નથી. આજે જે રીતે કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે ભારતનો મિજાજ નથી.'