જાહ્નવીએ માધુરીનાં વલ્ગર સ્ટેપ્સ અંગેની રીલ લાઈક કરતાં વિવાદ
- માતા માટે લાગણી દર્શાવવા જતાં વિવાદમાં
- માધુરીને વલ્ગર સ્ટેપ્સ માટે એવોર્ડ જ્યારે શ્રીદેવીની ઉપેક્ષા થઈ તેવી રીલમાં ટિપ્પણી
મુંબઈ: માધુરી દીક્ષિતને 'ધક ધક કરને લગા' ગીતમાં વલ્ગર સ્ટેપ્સ કરવા બદલ ેએવોર્ડ અપાયો હતો જ્યારે 'ખુદાગવાહ' ફિલ્મમાં ડબલ રોલમાં શાનદાર એક્ટિંગ છતાં પણ શ્રીદેવીની ઉપેક્ષા થઈ હતી તેવી એક સોશિયલ મીડિયા રીલને જાહ્નવી કપૂરે લાઈક કરતાં વિવાદ છેડાયો છે. દેખીતી રીતે જ જાહ્નવી માતા શ્રીદેવી માટે લાગણીવશ બનીને આ રીલ લાઈક કરીને બેઠી છે પરંતુ તેમ કરવા જતાં તેણે માધુરીને વખોડતી ટિપ્પણીને પણ આડકતરી રીતે સમર્થન આપી દીધું છે.
જાહ્નવીની આ હરકત મુદ્દે નેટ યૂઝર્સ અલગ અલગ છાવણીમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો એક પુત્રીએ ભાવાવેશમાં આમ કર્યું હોવાનું કહી તેનો બચાવ કર્યો છે. કેટલાકે એમ પણ જણાવ્યું છે કે તાજેતરમાં વિરાટ કોહલીએ ભૂલથી અવનીત કૌરની પોસ્ટને લાઈક કરી દીધી હતી તેવું આ કેસમાં પણ બન્યું હોઈ શકે છે.
કેટલાક નેટયૂઝર્સએ આ નિમિત્તે માધુરી અને શ્રીદેવી વચ્ચેની કોલ્ડવોરના દિવસો યાદ કર્યા છે. શ્રીદેવી અને માધુરી બંને એકબીજાની હરીફ મનાતી હતી.
બંને લગભગ સમાન સમયગાળાના કલાકારો હોવા છતાં ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે આવ્યાં ન હતાં. બાદમાં વર્ષો પછી માધુરીએ દાવો કર્યો હતો કે વાસ્તવમાં શ્રીદેવી અને પોતે એકબીજા માટે પુષ્કળ આદર ધરાવતાં હતાં.