Janhvi Kapoor reacts on killing of Dipu Chandra Das: બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસ નામના વ્યક્તિને જીવતા સળગાવી દેવાની અમાનવીય ઘટનાએ વિશ્વભરને હચમચાવી દીધું છે. આ બર્બરતા સામે હવે બોલિવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે અવાજ ઉઠાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને તેણે પોતાનો ગુસ્સો અને દુઃખ વ્યક્ત કર્યું છે.
જ્હાન્વી કપૂરે બાંગ્લાદેશની હિંસાને ગણાવ્યો 'નરસંહાર'
જ્હાન્વી કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી અને ભાવુક નોટ શેર કરી છે. તેણે લખ્યું કે, 'બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે અત્યંત બર્બર છે. આ માત્ર એક ઘટના નથી, પરંતુ એક નરસંહાર છે. જો તમને આ અમાનવીય પબ્લિક લિંચિંગ વિશે ખબર નથી, તો તેના વિશે વાંચો, વીડિયો જુઓ અને પ્રશ્નો પૂછો.'
અભિનેત્રીએ વધુમાં લખ્યું કે, 'જો આ બધું જોયા પછી પણ તમને ગુસ્સો નથી આવતો, તો આ દંભ આપણને બરબાદ કરી દેશે. આપણે દુનિયાના બીજા ખૂણે થતી ઘટનાઓ પર રડતા રહીએ છીએ, પણ જ્યારે આપણા પોતાના ભાઈ-બહેનોને જીવતા સળગાવવામાં આવે છે ત્યારે ચૂપ રહીએ છીએ.'

કટ્ટરવાદ સામે ઉઠાવ્યા સવાલ
ઉગ્રવાદની નિંદા કરતા જ્હાન્વીએ કહ્યું કે, 'આપણી માનવતા ભૂલી જઈએ તે પહેલા કોઈપણ કટ્ટરવાદનો વિરોધ કરવો જરૂરી છે. આપણે માત્ર પ્યાદા છીએ જે માનીએ છીએ કે આપણે કોઈ સીમાની બંને તરફ રહીએ છીએ. વાસ્તવિકતાને ઓળખો અને તમારી જાતને જ્ઞાનથી સજ્જ કરો, જેથી તમે એ નિર્દોષ જીવો માટે અવાજ ઉઠાવી શકો જે આ સાંપ્રદાયિક હિંસામાં ખતમ થઈ રહ્યા છે.'
જ્હાન્વી કપૂરનું વર્કફ્રન્ટ
નોંધનીય છે કે જ્હાન્વી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ 'હોમબાઉન્ડ'ને લઈને ચર્ચામાં છે, જે ઓસ્કર 2026 માટે શોર્ટલિસ્ટ થઈ છે. આ ઉપરાંત, તે રામ ચરણ સાથે ફિલ્મ 'પેડ્ડી'માં જોવા મળશે. તાજેતરમાં તે વરુણ ધવન સાથે 'સની સંસ્કારી કી તુલસી કુમારી'માં જોવા મળી હતી.


