- અક્ષયને મગજમાં રાઈ ભરાઈ ગઈ છેઃ કુમાર મંગત
- કોન્ટ્રાક્ટ કર્યો, એડવાન્સ પૈસા લીધા અને શૂટિંગ દસ દિવસ પહેલાં ફિલ્મ છોડી દીધી
મુંબઈ : અજય દેવગણની 'દ્રશ્યમ થ્રી'માં અક્ષય ખન્નાની જગ્યાએ હવે જયદીપ અહલાવત ગોઠવાઈ ગયો છે. ફિલ્મ છોડી દેવા બદલ નિર્માતા કુમાર મંગત પાઠકે અક્ષય ખન્નાને કાનૂની નોટિસ પાઠવી કેસ કરવાની તૈયારી માંડી છે.
કુમાર મંગત પાઠકના જણાવ્યા અનુસાર અક્ષયને તેના અલીબાગનાં ફાર્મહાઉસ પર રુબરુ સ્ક્રિપ્ટ સંભળાવી હતી. તેણે એડવાન્સ પૈસા લીધા હતા. તેના ડ્રેસ ડિઝાઈનરને પણ પેમેન્ટ કરી દીધું હતું. તેણે કોન્ટ્રાક્ટ પર સાઈન કરી દીધી હતી. જોકે, શૂટિંગ ચાલુ થવાનું હતું તેના દસ જ દિવસ પહેલાં તેણે ફિલ્મ છોડી દેતાં મને મોટું આર્થિક નુકસાન થયું છે. મેં તેને નોટિસ આપી દીધી છે પરંતુ તેણે હજુ જવાબ આપ્યો નથી. તેમણે કહ્યું હતું કે હવે મને અક્ષય ખન્ના કરતાં વધારે સારો કલાકાર અને તેનાથી પણ ખાસ બાબત તો એ કે અક્ષય કરતાં વધારે સારો અને ભલો ઈન્સાન મળ્યો છે.
તેમણે કહ્યું હતું કે અક્ષય ખન્નાએ વિગનો આગ્રહ રાખ્યો હતો પરંતુ અમે તેને જણાવ્યું હતું કે તેનાથી પાર્ટ ટુ સાથેની કન્ટિન્યુટી તૂટી જશે.
તેમણે કહ્યું હતું કે અક્ષય ખન્નાને મગજમાં રાઈ ભરાઈ ગઈ છે. વાસ્તવમાં 'ધુરંધર'ની સફળતા તેને એકલાને આભારી નથી. અક્ષયની સોલો હિરો તરીકેની એક પણ ફિલ્મ ચાલી નથી. આ પહેલાંની 'દ્રશ્યમ ટુ'માં અજય દેવગણ હિરો હતો અને 'છાવા'માં વિકી કૌશલ હતો. આ ફિલ્મોમાં અક્ષય એકલો હિરો હોત તો ૫૦ કરોડની પણ કમાણી થવાની ન હતી.
મેં એને 'દ્રશ્યમ ટુ' આપી તે પછી તેની કેરિયર ઉંચકાઈ હતી. તે પહેલાં ત્રણ-ચાર વર્ષ તો એ કામ વગર ઘરે બેસી રહ્યો હતો.


