લોકડાઉનઃ જનાજામાં માત્ર 20 લોકોની ઉપસ્થિતિમાં ઈરફાનને સુપુર્દ-એ-ખાક કરાયા
બોલિવુડના કોઈ કલાકારને ઈરફાનની અંતિમ યાત્રામાં સામેલ થવા મંજૂરી ન અપાઈ
મુંબઈ, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
દિગ્ગજ બોલિવુડ અભિનેતા ઈરફાન ખાને લાંબી બીમારી બાદ બુધવારે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના મૃત્યુના સમાચાર બાદ બોલિવુડ સહિત દેશભરમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ઈરફાનને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકડાઉનના સમય દરમિયાન ઈરફાનનું અવસાન થયું હોવાથી કડકાઈપૂર્વક નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું અને મુંબઈના વર્સોવા ખાતે આવેલા કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ કરોડો લોકોના દિલ પર રાજ કરનારા આ અભિનેતાની અંતિમ યાત્રામાં માત્ર 20 જ લોકોને સામેલ થવાની મંજૂરી અપાઈ હતી. ઈરફાનના અનેક ચાહકો હોવાથી જનાજા વખતે ખૂબ જ સુરક્ષા રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ સ્ટારની અંતિમ યાત્રામાં સામાન્યપણે અનેક કલાકારો હાજરી આપે છે પરંતુ ઈરફાનની અંતિમ વિદાય ખૂબ જ સાદગીભરી રહી હતી. એક અહેવાલ પ્રમાણે બોલિવુડ કલાકારોને ઈરફાનની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે મંજૂરી નહોતી અપાઈ.
ઉલ્લેખનીય છે કે, ઈરફાન ઘણા લાંબા સમયથી ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યુમર સામે ઝઝુમી રહ્યા હતા અને તેમના આંતરડામાં પણ ચેપ ફેલાયો હતો. છેલ્લે તેમણે અંગ્રેજી મીડિયમ નામની ફિલ્મમાં કામ કર્યું હતું. બોલિવુડના તમામ કલાકારોએ સોશિયલ મીડિયા પર ઈરફાનના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. શૂજીત સરકારે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, "મારા વહાલા દોસ્ત ઈરફાન, તું ઘણું લડ્યો. મને હંમેશા તારા પર ગર્વ રહેશે. આપણે ફરી મળીશું. સુતાપા અને બાબિલને મારી સંવેદનાઓ, તમે પણ ઘણું લડ્યા. સુતાપા, આ લડાઈમાં તે તારાથી બનતો ભોગ આપ્યો. ઓમ શાંતિ. ઈરફાન ખાનને સલામ."
બોલિવુડના કલાકારો ઉપરાંત અનેક રાજકારણીઓએ ઈરફાનના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, "ઈરફાનના મૃત્યુથી સિનેમા અને થિએટર જગતને મોટું નુકસાન થયું છે. વિભિન્ન માધ્યમમાં તેમના શાનદાર કામ માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકોને તેઓ સાંત્વના પાઠવે છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે."