ઈરાની ફિલ્મ મેકર જાફર પનાહીએ સત્તા સામે ન ઝુકીને કાન ફિલ્મ ફેસ્ટિવલનું સર્વોચ્ચ સન્માન જીત્યું
Cannes 2025: તાજેતરમાં યોજાઈ ગયેલા 78 મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઈરાની ફિલ્મ મેકર જાફર પનાહીએ ફિલ્મ 'ઈટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ' માટે ફિલ્મ ફેસ્ટિવલનો સૌથી મોટો એવોર્ડ 'પામ ડી'ઓર' જીત્યો હતો. 64 વર્ષના જાફરની આ સિદ્ધિ એટલા માટે પણ વિશ્વભરમાં ચર્ચિત થઈ રહી છે, કેમ કે આ બળવાખોર સર્જકે તેમના દેશ ઈરાનની સરકારની વિરુદ્ધ જઈને ફિલ્મ બનાવી હતી. સરકારને ન ગમે એવી ફિલ્મો બનાવવા બદલ જાફરને જેલમાં કેદ કરાયા હતા, તેમના પર 20 વર્ષ સુધી ફિલ્મો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેમને દેશની બહાર જવાની પણ છૂટ નહોતી.
જેલમાંથી મુક્ત થઈને ચોરીછુપે ફિલ્મ બનાવી
વર્ષ 2010 માં જાફરને 6 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને 20 વર્ષ સુધી ફિલ્મો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેલવાસ પત્યા બાદ પણ તેમને વર્ષો સુધી તેહરાનમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. વર્ષ 2022 માં તેમને નજરકેદમાંથી મુક્ત કરાયા હતા. મુક્ત થયા બાદ તેમણે ચોરીછુપે 'ઈટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ' ફિલ્મ બનાવી જેણે કાન ફિલ્મ ફેસ્ટિવલ ગજવીને દુનિયા આખીનું ધ્યાન જાફર પનાહીના પેશન તરફ દોર્યું છે.
એવોર્ડ ઈરાનની સ્વતંત્રતા માટે લડી રહેલા લોકોને અર્પણ કર્યો
એવોર્ડ જીત્યા પછી જાફર પનાહીએ કાન ફિલ્મ ફેસ્ટિવલની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘હું આ એવોર્ડથી ખૂબ જ ખુશ છું. મારા દેશમાં ઈરાનમાં મારા ઘણા સાથી ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો જેલમાં છે. મારી જેમ ઘણા લોકોને ફિલ્મો બનાવવાથી રોકવામાં આવ્યા છે. હું આ પુરસ્કાર એ તમામ લોકોને અને ઈરાની નાગરિકોને સમર્પિત કરું છું જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને સ્વતંત્રતા માટે લડી રહ્યા છે.’
ફિલ્મનો વિષય શું છે?
‘ઈટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ’ એક થ્રિલર ફિલ્મ છે, જે ઈરાનની રાજધાની તેહરાનમાં એક રાતનો ઘટનાક્રમ દર્શાવે છે. ફિલ્મની શરૂઆતમાં એક સામાન્ય કાર અકસ્માત થાય છે જે દર્શકોને રસપ્રદ ઘટનાઓ તરફ દોરી જાય છે. ફિલ્મમાં બદલાની ભાવનાથી લઈને ક્ષમા, કરુણા અને નૈતિકતા જેવા માનવીય પાસાં ઉજાગર કરવામાં આવ્યા છે. આ ફિલ્મ જાફરની અગાઉની તમામ ફિલ્મોથી તદ્દન અલગ છે.
પ્રતિબંધ હતો તો ફિલ્મ અને ફિલ્મ મેકર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ રીતે પહોંચ્યા?
ઈરાનમાં ફિલ્મમેકિંગના કાયદા ઘણા કડક છે. સરકારની પરવાનગી વિના ફિલ્મો બનાવી શકાતી નથી. જાફરે આ ફિલ્મ સરકારની પરવાનગી વિના ચોરીછુપે બનાવી હતી, કેમ કે તેઓ સરકારના નિયમોને અનુસરીને ફિલ્મ બનાવવામાં માનતા નથી. તેમને ઈરાનની બહાર જવાની પણ છૂટ ન હોવાથી તેઓ અને તેમની ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલ કઈ રીતે પહોંચ્યા એવો સવાલ થવો સ્વાભાવિક છે.
આ બાબતે ચોક્કસ માહિતી જાહેર નથી કરાઈ, પણ એવું કહેવાઈ રહ્યું છે કે જાફરની ફિલ્મની નકલ સરકારી નજરથી છુપાવીને ચાલાકીપૂર્વક ઈરાનની બહાર લઈ જવામાં આવી હતી. એ જ રીતે એવું કહેવાઈ રહ્યું છે કે, જાફરના કાન જવાની વાત પણ ખાનગી રાખવામાં આવી હતી. તેઓ ફ્રાન્સના નીસ એરપોર્ટ પર ઉતર્યા એ પછી જ તેઓ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જોકે, એક વર્ગ એમ પણ કહી રહ્યો છે કે, ઈરાની સરકારે જ જાફરને દેશની બહાર મુસાફરી કરવાની મંજૂરી આપી છે.
અગાઉ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કાર જીત્યો છે
જાફર ભૂતકાળમાં પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કાર જીતી ચૂક્યા છે. ત્રીસ વર્ષ પહેલાં 1995 માં તેમની ‘ધ વ્હાઈટ બલૂન’ ફિલ્મને શ્રેષ્ઠ ડેબ્યૂ ફીચર માટે ‘કેમેરા ડી’ઓર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. એ ફિલ્મમાં ગોલ્ડફિશ ખરીદવાની આશા રાખતી અને એ માટે અજાણ્યા પુખ્ત વયના લોકો પાસેથી મદદ માંગતી એક કિશોરીની કથા હતી.
અનેક પુરસ્કૃત ફિલ્મો બનાવી ચૂક્યા છે
‘ધ વ્હાઈટ બલૂન’ પછી જાફરે ઘણી પ્રશંસનીય ફિલ્મો બનાવી, જેમાં ‘ધ મિરર’, ‘ધ સર્કલ’, ‘ક્રિમસન ગોલ્ડ’ અને ‘ઓફસાઈડ’નો સમાવેશ થાય છે. તેમણે આરબ સ્પ્રિંગ જેવા વિરોધ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી જેને લીધે તેઓ સરકારની આંખમાં ખૂંચવા લાગ્યા હતા. પરિણામે તેમને જેલવાસ મળ્યો હતો, અને તેમના પર 20 વર્ષ માટે ફિલ્મો બનાવવા પર તથા વિદેશ જવા પર પ્રતિબંધ મુકાયો હતો.
જાફરની ફિલ્મોમાં ઘરની અંદરના દૃશ્યો નથી હોતા, કયા કારણે?
જાફરની ફિલ્મોમાં કેમેરા ક્યારેય કોઈ ઘરમાં પ્રવેશતો નથી. કોઈ પાત્રની પાછળ જતો કેમેરા ઘરના દરવાજા સુધી જઈને પછી અટકી જાય છે, અંદર જતો નથી. એનું કારણ પણ બહુ રસપ્રદ છે. ઈરાનની સરકારે નિયમ બનાવ્યો છે કે ઈરાની ફિલ્મોમાં મહિલાઓને કાયમ હિજાબ પહેરેલી જ બતાવવી, પછી ભલે એ મહિલાને ઘરની અંદર દેખાડો કે ઘરની બહાર. વાસ્તવિકતા એ છે કે ઈરાની મહિલાઓ માટે ઘરની બહાર હિજાબ પહેરવું તો ફરજિયાત છે, પણ ઘરની અંદર એવો કોઈ નિયમ નથી. ત્યાંની કોઈ મુસ્લિમ મહિલા ઘરમાં હિજાબ પહેરતી નથી. છતાં સરકાર એવો દુરાગ્રહ રાખે છે કે ફિલ્મોમાં ઘરની અંદર પણ મહિલાઓને હિજાબ પહેરેલી જ દેખાડવી. સરકારના આવા જક્કી વલણના વિરોધમાં જાફર પોતાની ફિલ્મોમાં ઘરની અંદરના દૃશ્યો નથી દેખાડતા.
બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ખુરશી ખાલી રખાયેલી
ઈરાની ફિલ્મોને વૈશ્વિક ફલક પર સન્માનભર્યું સ્થાન અપાવવામાં સિંહફાળો આપનાર જાફર પલાહીનું માન કેટલું છે એ જાણવા માટે એક કિસ્સો જોઈએ. વર્ષ 2011 માં જર્મનીમાં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ યોજાયેલો ત્યારે જાફરને જ્યુરી મેમ્બર બનવા માટે આમંત્રણ અપાયેલું. તેઓ દેશ છોડીને જઈ શકે એમ ન હોવાથી તેમના સન્માનમાં જ્યુરી મેમ્બરની એક ખુરશી સમગ્ર ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ખાલી રાખવામાં આવી હતી.
જાફરની ફિલ્મો ઈરાનમાં પ્રતિબંધિત છે
કળાની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ એવી જાફરની ફિલ્મોને વિશ્વભરના દેશોએ માથે બેસાડી છે, પણ તેમની ફિલ્મો ક્રાંતિકારી વિચાર ધરાવતી હોવાથી ઈરાનમાં રજૂ નથી થવા દેવાતી. પ્રતિબંધ હોવા છતાં ઈરાની દર્શકો જાફરની ફિલ્મોની પાયરેટેડ કોપી જોઈ જ લે છે. એ રીતે પણ પોતાનો સંદેશ દેશની જનતા સુધી પહોંચે છે, એની જાફરને ખુશી છે. તેઓ હંમેશથી એવું કહેતા આવ્યા છે કે, ભલે મારી ફિલ્મો પ્રતિબંધિત થાય, હું મારી મનમરજી મુજબની ફિલ્મો બનાવતો રહીશ, સરકારના નિયમોને નહીં અનુસરું. મારી ફિલ્મો દ્વારા હું મારા દેશવાસીઓ અને દુનિયાના લોકો સુધી મારો અવાજ પહોંચાડતો રહીશ.
જેલવાસની સંભાવના છતાં સ્વદેશ પાછા ફરશે
જાફર ચાહે તો યુરોપનો કોઈપણ દેશ એમને શરણ આપવા તૈયાર છે, પણ તેઓ ઈરાન પાછા ફરવા ઈચ્છે છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ટરવ્યૂ આપતી વખતે તેમણે કહ્યું હતું કે, ઈરાન પાછા ફરતાં જ તેમને ફરી જેલમાં ધકેલી દેવામાં આવે એવી શક્યતા છે, કદાચ આ વખતે વધુ આકરી સજા થશે, તેમ છતાં તેઓ સ્વદેશ પાછા ફરશે, કેમ કે તેમનું ફરી કેદ થવું ઈરાનની આઝાદી માટે લડતા લોકોને જોમ પૂરું પાડશે.