સુહાના ખેડૂત તરીકે કરેલા 13 કરોડના જમીન સોદા વિશે તપાસ
- અલીબાગમાં ખેતી હેતુ માટેની જમીન ખરીદી હતી
- મહેસૂલ વિભાગે સ્થાનિક અધિકારી પાસે જમીન સોદા અંગે અહેવાલ માગ્યો
મુંબઇ : શાહરુખની દીકરી સુહાના ખાને અલીબાગમાં ૧૨.૯૧ કરોડમાં ખરીદેલી જમીન અંગે તપાસ શરુ થઈ છે. આ જમીન સોદામાં સુહાનાને ખેડૂત દર્શાવાઈ છે. સુહાનાએ મેળવેલી જમીન સરકારે ખેતીના હેતુ માટે જ રિઝર્વ કરેલી છે.
બે વર્ષ પહેલાં મે ૨૦૨૩માં સુહાનાએ વારસાઈમાં જમીન મેળવનારી ત્રણ બહેનો પાસેથી આ જમીન ખરીદી હતી. સેલ ડીડ એક કંપનીના નામે થયું હતું. આ કંપનીના ડાયરેક્ટરો તરીકે ગૌરી ખાનની માતા તથા ભાભીનાં નામ છે.
અલીબાગના થાલ ગામે આવેલી આ જમીનના સોદામાં કાંઈ ખોટું થયું છે કે કેમ તે અંગે મહેસૂલી તંત્રે સ્થાનિક અધિકારીનો રિપોર્ટ માગ્યો છે. આ જમીન સોદા પહેલાં જરુરી પરવાનગીઓ નહિ મેળવાઈ હોવાનું કહેવાય છે.
અલીબાગમાં શાહરુખ પરિવારે કરેલા જમીન સોદા અંગે આ બીજો મોટો વિવાદ છે. અગાઉ ૨૦૧૮માં પણ શાહરુખે ખેતીનો હેતુ દર્શાવીને ખરીદેલાં ફાર્મહાઉસનો બિનખેતી ઉપયોગ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યા બાદ ઈન્કમટેક્સ વિભાગે આ ફાર્મહાઉસને કામચલાઉ સમય માટે ટાંચમાં લીધું હતું.