'ઈન્ડિયન આઇડલ' વિજેતા પવનદીપ રાજન ભીષણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત, અમદાવાદ આવતા સમયે ટેન્કરમાં ઘૂસી કાર
Pawandeep Rajan Accident: ઈન્ડિયન આઇડલ સીઝન 12ના વિજેતા ગાયક પવનદીપ રાજનની કારને અકસ્માત નડ્યો હતો.જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પવનદીપનો અકસ્માત ઉત્તર પ્રદેશના મુરાદાબાદ નજીક સોમવારે (પાંચમી મે) સવારે થયો હતો. તેમની સારવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
પવનદીપને અમદાવાદ જવા માટે ફ્લાઇટ પકડવાની હતી
મળતી માહિતી અનુસાર, ગાયક પવનદીપ રાજનનો અકસ્માત સોમવારે સવારે 3:40 વાગ્યે મુરાદાબાદ નજીક થયો હતો. થોડા સમય પહેલાં ગાયક પોતાના વતન ચંપાવત ગયા હતા. પવનદીપ રાજનને અમદાવાદમાં એક શો કરવાનો હતો, જેના માટે તે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યો. તેમને દિલ્હી એરપોર્ટથી અમદાવાદ જવા માટે ફ્લાઇટ પકડવાની હતી, જો કે, રસ્તામાં તેમનો અકસ્માત થયો. ગંભીર હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ પવનદીપના ચાહકો તેમના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.