Animal જોઈને ગુજરાતી ક્રિકેટર ભડક્યો, કહ્યું બકવાસ ફિલ્મ છે, આપણે જંગલમાં નથી રહેતા
ફિલ્મે રિલીઝના ચોથા દિવસ સુધી આશરે 242 કરોડની કમાણી કરી લીધી છે
Image:SocialMedia |
Jaydev Unadkat On Film Animal : રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ એનિમલે હાલ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. થોડાક જ સમયમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુનું કલેક્શન કરી લીધુ છે. આ ફિલ્મે રિલીઝના ચોથા દિવસ સુધી આશરે 242 કરોડની કમાણી કરી લીધી છે. અનિમલ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા છે જેમણે વર્ષ 2019માં સુપરહિટ ફિલ્માં કબીર સિંહ બનાવી હતી. તેણે દર્શકોને વાયદો કર્યો હતો કે તે કબીર સિંહ જેવી ફિલ્મ ફરી લઈને આવશે અને તેણે આ વાયદો પૂરો પણ કર્યો.
ફિલ્મને સોશ્યલ મીડિયા પર મળ્યા પ્રતિસાદ
ફિલ્મને સોશ્યલ મીડિયા પર તમામ પ્રકારના પ્રતિસાદ મળી રહ્યા છે. ફિલ્મને તેના પુરૂષ પાત્રોના ચિત્રણ અને સ્ત્રી પાત્રો સાથેના વ્યવહાર અને બતાવવામાં આવેલી હિંસા માટે પણ પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના સ્ત્રી પત્રો સાથે દુર્વ્યવહાર, ઉપહાસ અને ફિલ્મમાં બતાવવામાં આવેલી હિંસાની ઘણાં લોકોએ ટીકા કરી છે, જેમાં એક નામ ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટનું પણ છે.
જયદેવ ઉનડકટે સોશ્યલ મીડિયા પર શેર કયો અભિપ્રાય
ક્રિકેટર જયદેવ ઉનડકટે ફિલ્મ એનિમલ જોયા બાદ સોશ્યલ મીડિયા પર પોતાનો અભિપ્રાય શેર કર્યો હતો. જો કે તેણે થોડા સમય બાદ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. તેણે ફિલ્મને બકવાસ અને સસ્તી ગણાવી હતી. તેણે એમ પણ કહ્યું કે તેણે આ ફિલ્મ જોઈને પોતાનો ત્રણ કલાકનો સમય બગાડ્યો. ઉનડકટે કહ્યું, 'એનિમલ કેટલી બકવાસ ફિલ્મ છે. આજના યુગમાં મિસોજીનીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને પછી તેને મર્દાનગી અને આલ્ફા મેલનો ટેગ આપવામાં આવી રહ્યો છે. હવે આપણે જંગલ અને મહેલોમાં નથી રહેતા અને શિકાર કરવા પણ નથી જતા.'
એક્ટિંગ કેટલી સારી છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો - જયદેવ ઉનડકટ
ઉનડકટે આગળ લખ્યું હતું, 'ફિલ્મમાં એક્ટિંગ કેટલી સારી છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો. કોઈએ પણ ફિલ્મમાં આવી વસ્તુઓ બતાવવી ન જોઈએ. સામાજિક જવાબદારી નામની પણ કોઈ વસ્તુ હોય છે, જેને ઇન્ડસ્ટ્રીમાં પણ ભૂલવી જોઈએ નહી. ખરાબ લાગી રહ્યું છે કે આટલી બેકાર ફિલ્મ જોવા માટે મેં મારા 3 કલાક બગાડી નાખ્યા. '