આઈસી 814માં શરૂઆતમાં જ આતંકીઓના અસલી નામ દર્શાવાશે

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
આઈસી 814માં શરૂઆતમાં જ આતંકીઓના અસલી નામ દર્શાવાશે 1 - image


- ઓપનિંગ ડિસક્લેમર માટે નેટ ફલિક્સ સંમત

- ભવિષ્યમાં ભારતીયોની લાગણીનું ધ્યાન રાખવાની કન્ટેન્ટ હેડની કેન્દ્ર સરકારને ખાતરી

મુંબઇ : કંદહાર હાઈજેક ઘટના પર આધારિત વેબ સીરિઝ 'આઈસી ૮૧૪'માં  આતંકીઓના કોડનેમ ભોલા અને શંકર દર્શાવવા મુદ્દે થયેલા વિવાદ બાદ ઓટીટી પ્લેટફોર્મ નેટફલિક્સ દ્વારા સરકારને ખાતરી અપાઈ છે કે તે સીરિઝની શરુઆતમાં  જ આતંકીઓનાં અસલી નામ સાથે ડિસક્લેમર મૂકશે. 

આ ઉપરાંત ભવિષ્યમાં ભારતીયોની લાગણીઓનું ધ્યાન રાખવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી છે. 

કેન્દ્ર સરકારે તેડું મોકલ્યા બાદ આજે નેટફલિક્સના ઈન્ડિયા કન્ટેન્ટ હેડ મોનિકા શેરગિલ માહિતી અને પ્રસારણ ખાતાંના સેક્રેટરી સંજય જાજુને મળ્યાં હતાં. તે પછી નેટ ફલિક્સ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. 

સરકારે નેટફલિક્સને જણાવ્યું હતું કે તેઓ આતંકીઓના અસલી નામ કેપ્શન સાથે દર્શાવી શક્યાં હોત. 

સરકારે કહ્યું હતું કે તે કન્ટેન્ટ અને કન્ટેન્ટ ક્રિએટર્સનું સમર્થન કરે છે પરંતુ રચનાત્મક આઝાદીના નામે દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોંચાડી શકાય નહીં. 

શેરગિલે જણાવ્યુ ંહતું કે વાસ્તવિક અપહરણ વખતે આતંકીઓએ જે કોડનેમ આપસમાં રાખ્યાં હતાં અને પ્રવાસીઓની હાજરીમાં તેઓ જે કોડ નેમથી એકબીજાને સંબોધન કરત હતા તે જ આ સીરિઝમાં યથાવત રાખવામાં આવ્યાં છે. જોકે, ઓડિયન્સને વધારે સ્પષ્ટતા મળે તે માટે હવે આ અંગે ઓપનિંગ ડિસ્કલેમર પણ જોડી  દેવામાં આવશે. 

સીરિઝમાં આતંકીઓને હિંદુ નામ આપવા બાબતે હોબાળો થયો હતો. સીરિઝના સર્જક અનુભવ સિંહાએ જાણીજોઈને આવું પગલું લીધું હોવાનો આક્ષેપ પણ થયો હતો. જોકે, બાદમાં કેટલાય લોકોએ એવી સ્પષ્ટતા કરી હતી કે અપહરણની ઘટના દરમિયાન આતંકીઓને ખરેખર ભોલા અને શંકર એવાં કોડ નેમ આપવામાં આવ્યાં હતાં અને આ ફલાઈટના પ્રવાસીઓએ પણ આતંકીઓ આ કોડ નેમનો ઉપયોગ કરતા હોવાનું  સ્વીકાર્યું હતું. 

અલબત્ત, સોશિયલ મીડિયા યૂઝર્સ એવી દલીલ કરી રહ્યા છે કે જો સીરિઝમાં વિદેશ પ્રધાન તથા તત્કાલીન કેન્દ્રીય અધિકારીઓના નામ બદલી નાખવામાં આવ્યાં છે તો તેઓ આ આતંકીઓના કોડ નેમ પણ બદલી શકે તેમ હતા. 

IC-814

Google NewsGoogle News