પૈસા માટે ફરી ટીવી પર કામ કરું પણ ખરો
-વેબ સિરિઝ કરનારો અભિનેતા વિક્રાન્ત મેસી કહે છે
-મિર્ઝાપુર અને બ્રોકન બટ બ્યૂટીફૂલ સિરિઝ કરી છે
મુંબઇ તા. 4 ડિસેંબર 2018, મંગળવાર
ટીવી પર કામ કરતાં કરતાં થોડી બિનપરંપરાગત ફિલ્મો અને વેબ સિરિઝ કરનારા અભિનેતા વિક્રાન્ત મેસીએ કહ્યું હતું કે હું પૈસા માટે ફરી ટીવી પર કામ કરવા જાઉં પણ ખરો.
વિક્રાન્તે મિર્ઝાપુર અને બ્રોકન બટ બ્યુટીફૂલ જેવી વેબ સિરિઝ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી મારી હતી. એ પહેલાં બિનપરંપરાગત કહેવાય એવી થોડીક ફિલ્મો પણ કરી હતી.
એણે કહ્યું હતું કે ટીવી પર પૈસા ખૂબ મળે છે પરંતુ ટીવી માણસને નીચોવી નાખે છે. સાંજ પડયે માણસ થાકીને ચુર થઇ જાય એટલી હદે એણે પસીનો પાડવો પડે છે. જો કે પૈસા ખૂબ સારા મળે છે એટલે મારે ફરી ટીવી પર જવું પડે તો હું માત્ર અને માત્ર પૈસા માટે ટીવી પર પાછો જઇશ.
એણે ઉમેર્યું હતું કે ટીવી પર શો તૈયાર કરનારા લોકો ખૂબ પ્રતિભાવાન છે. દર્શકો જુએ છે માટે આવા શો તૈયાર કરે છે. પરંતુ મનોમન એ લોકો પાક્કા વેપારી છે. એટલે સહભાગી થનારાને નીચોવી લેતાં જરાય ખંચકાતા નથી. તમે એમના નિર્ણયને પડકારી શકો નહીં કે સવાલ પૂછી શકો નહીં કે આવું કેમ થઇ રહ્યું છે ? તમે આંખ બંધ કરીને કામ કરતા રહો તો ભરપુર પૈસા મળે છે. બસ, ટીવીનો એ એક જ પ્લસ પોઇન્ટ છે.
વિક્રાન્તની છેલ્લી ફિલ્મ ડેથ ઇન ધ ગૂંજ વખણાઇ હતી.