હું રસ્તા પર આવી ગયો, ભાઈ પાસે પણ પૈસા નહોતા... અનુપમ ખેરના ભાઈ રાજુ ખેરનું દર્દ છલકાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Raju Kher Recalls Dark Bankruptcy: જાણીતા અભિનેતા અને દિગ્દર્શક રાજુ ખેર (અભિનેતા અનુપમ ખેરના નાના ભાઈ) હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલ્સમાં પોતાના અભિનય માટે જાણીતા છે. સામાન્ય રીતે અંગત કે વ્યાવસાયિક બાબતો પર મૌન રહેતા રાજુ ખેરે તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગીના સૌથી અંધકારમય તબક્કાનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે એક ખોટા રોકાણને કારણે તેઓ રાતોરાત રોડ પર આવી ગયા હતા.
નવી ચેનલમાં બધી મૂડી લગાવી અને રાતોરાત કંગાળ બન્યા
રાજુ ખેરે જણાવ્યું કે તે સમયે એક નવી ટીવી ચેનલ લોન્ચ થવાની હતી, જેમાં મોટા-મોટા લોકો નાણાં રોકી રહ્યા હતા. તેમણે પોતાનું જૂનું ઘર વેચી દીધું અને બીજા ફ્લેટનું બુકિંગ કરીને તેના પૈસા ચૂકવી દીધા. ઘર વેચ્યા બાદ બચેલી અને જીવનભરની તમામ જમાપૂંજી તેમણે તે નવી ચેનલના એક કાર્યક્રમમાં લગાવી દીધી. પ્રોગ્રામનું નામ હતું ‘લાઈફ કે લિયે કુછ ભી કરેગા’. તેમણે વિચાર્યું હતું કે આ શો સફળ થશે તો તેમની જિંદગી સેટ થઈ જશે. એક મોટું 4BHK ઘર હશે, પરિવારના દરેક સભ્યનો પોતાનો અલગ રૂમ હશે અને આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. જોકે કમનસીબે ચેનલ શરૂ થયા પહેલાં જ અચાનક બંધ થઈ ગઈ. બધી જ મૂડી ડૂબી જતાં તેઓ રાતોરાત કંગાળ થઈ ગયા અને નવા ફ્લેટના હપ્તા ક્યાંથી ભરવા તેની મોટી ચિંતા ઊભી થઈ ગઈ.
ભાઈ અનુપમ ખેર પાસે મદદ માંગવા ગયા, પણ...
તે સમયે રાજુ ખેરને લાગ્યું કે મુશ્કેલીમાંથી માત્ર તેમના મોટા ભાઈ અનુપમ ખેર જ તેમને બહાર કાઢી શકે છે. પરંતુ અનુપમ ખેર પાસે પણ તે સમયે પૈસા નહોતા અને તેમણે પણ કામ કરવાનું છોડી દીધું હતું. શરૂઆતમાં રાજુ ખેરને મનમાં ખોટું લાગ્યું કે સગા ભાઈ હોવા છતાં તેઓ મદદ નથી કરી રહ્યા.
એક મેગેઝીનના લેખે આંખો ખોલી નાખી
રાજુ ખેરે આગળ જણાવ્યું કે એક દિવસ વોશરૂમમાં તેઓ એક મેગેઝીન વાંચી રહ્યા હતા, જેમાં અનુપમ ખેરનું એક ઇન્ટરવ્યુ છપાયું હતું. તેમાં અનુપમ ખેરે કહ્યું હતું કે: "કાશ, મારું પોતાનું કોઈ સંતાન હોત!"
આ શબ્દો વાંચતાં જ રાજુ ખેરને મોટો આંચકો લાગ્યો અને પસ્તાવો થયો. તેમણે વિચાર્યું,
"મેં ક્યારેય મારા ભાઈના દિલની પીડા વિશે વિચાર્યું જ નહીં. અમે હંમેશાં તેમને ગ્રાન્ટેડ લીધા અને ક્યારેય ન વિચાર્યું કે તેમના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે. ભલે તેઓ સિકંદરને પોતાના પુત્રની જેમ જ રાખે છે, પણ પોતાનું બાળક હોવું એ સાવ અલગ જ લાગણી છે."
રાજુ ખેરે શીખ આપતાં કહ્યું કે વ્યક્તિએ હંમેશાં માત્ર પોતાના સ્વાર્થ વિશે ન વિચારવું જોઈએ, પરંતુ સામેવાળી વ્યક્તિ કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેનો પણ વિચાર કરવો જોઈએ.




