Honey Singh Apology : લોકપ્રિય રેપર યો યો હનીસિંહ બુધવાર, 14 જાન્યુઆરીથી સોશિયલ મીડિયા પર એક વિવાદના કારણે ટ્રેન્ડ થઈ રહ્યો છે. હનીસિંહનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે લાઈવ કોન્સર્ટ દરમિયાન વાંધાજનક ભાષાનો પ્રયોગ કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો અને લોકોએ તેની નૈતિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, વિવાદ વધતા હવે હનીસિંહે જાહેરમાં માફી માંગી છે.
વાયરલ વીડિયો પર હનીસિંહની સ્પષ્ટતા
હનીસિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે સવારથી તેનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 'એડિટેડ' છે. હનીસિંહે વિગતવાર વાત કરતા જણાવ્યું કે, "હું તે શોમાં માત્ર એક મહેમાન કલાકાર તરીકે ગયો હતો. શો પર જતા પહેલા મારો કેટલાક ગાયનેકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટ મિત્રો સાથે લંચનો કાર્યક્રમ હતો."
શા માટે કરી અભદ્ર ભાષામાં વાત?
હનીસિંહના જણાવ્યા મુજબ, "ડોક્ટરો સાથેની વાતચીત દરમિયાન મને જાણવા મળ્યું કે આજના યુવાનોમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD)નું પ્રમાણ વધી રહ્યું છે અને લોકો અનસેફ સેક્સ કરી રહ્યા છે. જ્યારે હું સ્ટેજ પર ગયો ત્યારે ત્યાં મોટી સંખ્યામાં યુવાનો (Gen-Z) હાજર હતા. મેં તેમને તેમની જ ભાષામાં અને તેમની મનપસંદ OTT સ્ટાઈલમાં મેસેજ આપવાનું વિચાર્યું હતું જેથી તેઓ અનસેફ સેક્સ ન કરવા માટે જાગૃત થાય."
"ભૂલચૂક માફ" - રેપરે માફી માંગી
રેપરે વધુમાં ઉમેર્યું કે, "જો મારી ભાષાથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું તે તમામની માફી માંગુ છું. મારો ઈરાદો કોઈને દુઃખ પહોંચાડવાનો નહોતો. માણસ ભૂલોમાંથી જ શીખે છે, હું પ્રયાસ કરીશ કે ભવિષ્યમાં આવું ન બને. હવેથી હું જે કંઈ પણ બોલીશ તે સમજી-વિચારીને બોલીશ." હનીસિંહે આ વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું છે - "ભૂલચૂક માફ."


