11 વર્ષનાં ડેટિંગ બાદ હિના ખાન અને રોકી જયસ્વાલનાં મેરેજ
- રોકીએ સુખદુઃખમાં હિનાને સાથ આપ્યો
- કેન્સર પીડિત હિનાના વાળ ખરી ગયા તો રોકીએ પણ પોતાનું માથું મુંડાવ્યું હતું
મુંબઇ : કેન્સરના સપાટામાં આવેલી હિના ખાને બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. અભિનેત્રી અને રોકી ૧૧ વરસથી પણ લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા હતા. હિના ખાને સોશયલ મીડિયા પર પોતાના રજિસ્ટર્ડ મેરેજની તસવીરો મુકીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
અભિનેત્રીએ તસવીરો શેર કર્યાની સાથેસાથે એક ઇમોશનલ નોટ પણ લખી છે. તેણે શેર કર્યું છે કે, બે અલગ-અલગ ધર્મની વ્યક્તિઓ પ્રેમથી એક થઇ ગઇ છે. અમે એક નવા બંધનમાં જીવનભર માટે બંધાઇ ગયા છીએ. અમે પતિ-પત્ની તરીકે આપની શુભકામનાઓ અને આશીર્વાદ માંગીએ છીએ.
હિના ખાનની લોકપ્રિય સિરિયલ 'યહ રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં રોકી સુપરવાઈઝિંગ પ્રોડયૂસર હતો. ત્યારથી જ બંનેની લવ સ્ટોરી શરુ થઈ હતી. તે પછી આટલાં વર્ષોમાં રોકી હિનાનો મજબૂત સપોર્ટ રહ્યો છે. કેન્સરની સારવાર માટે કિમોથેરાપીની અસરના કારણે હિનાના તમામ વાળ ખરી ગયા તો રોકીએ પણ પોતાનું માથું મુંડાવી દીધું હતું. હોસ્પિટલના બેડ પર હિનાની સંભાળ લેતા રોકીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ટીવી અને ફિલ્મોની દુનિયામાં હિના અને રોકીની લવ સ્ટોરી એક આદર્શ અને આદરપાત્ર ગાથા ગણાય છે.