હસીન દિલરૂબાનો ત્રીજો ભાગ આવશે, સ્ક્રિપ્ટ લખાવાની શરૂ
- તાપસી અને કનિકાનું ફરી કોલબરેશન
- તાપસી અને કનિકાનાં સોશિયલ મીડિયા ઈન્ટરેક્શનના આધારે અટકળો શરૂ
મુંબઇ : તાપસી પન્નુ અને લેખિકા કનિકા ઢિલ્લોન હિટ થ્રિલર ફ્રેન્ચાઈઝી ' હસીન દિલરુબા'ના ત્રીજા ભાગ માટે ફરી એકત્ર થયા છે. મૂળ ફિલ્મ અને તેની સીક્વલ 'ફિર આયી હસીન દિલરુબા'ની સફળતા પછી આગામી પ્રકરણનું લેખનકાર્ય ચાલી રહ્યું છે. એક અહેવાલ મુજબ નવી ફિલ્મમાં રાણી અને રિશુની ઝંઝાવાતી અને મોહક વાર્તા ચાલુ રહેશે ઉપરાંત તેમાં વધુ તોફાન, રોમાંચ અને વળાંક હશે.
હસીન દિલરુબાની ટીમ ડ્રામાને વધુ ચગાવવા માગે છે અને આગામી પ્રકરણમાં વધુ મસ્તી, વધુ મોજ અને વધુ રોમાંચની ખાતરી આપી છે. તાપસીએ બીજા ભાગને યાદ કરતી ક્લિપ પોસ્ટ કરીને કનિકા ઢિલ્લોનને ટેગ કરીને રમૂજ કરતા લખ્યું કે પાગલપન બહુ યાદ આવે છે. કનિકાના રમતિયાળ જવાબે સીક્વલની તૈયારીનો સંકેત આપ્યો. તેણે લખ્યું કે અગલી કિતાબ તૈયાર હો રહી હૈ. તેમનાં આ ઈન્ટરેક્શન પરથી ત્રીજો ભાગ લખાઈ રહ્યો હોવાના સંકેત મળ્યા છે. સમગ્ર પ્લોટ હજી ગુપ્ત રખાયો છે પણ ફ્રેન્ચાઈઝીની લોકપ્રિયતાએ ચાહકોમાં ઉત્સુકતા વધારી છે. દરમ્યાન તાપસી ઈશ્વક સિંઘ અભિનિત અને દેવાશિષ મખિજા દિગ્દર્શિત તેની આગામી ફિલ્મની તૈયારી પણ કરી રહી છે.