વર્ષો બાદ ગ્રેસી સિંહ જાહેરમાં દેખાઈ, નવા લૂક્સથી ચાહકોને આંચકો
- આશુતોષ ગોવરીકરના પુત્રના લગ્નમાં હાજરી
- સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીને બોલીવૂડે પૂરતી તકો નહિ આપ્યાનો વસવસો
મુંબઈ : 'લગાન' અને 'મુન્નાભાઈ એમબીબીએસ' જેવી સુપરહિટ ફિલ્મોની મુખ્ય હિરોઈન ગ્રેસી સિંહ બહુ વર્ષો પછી આશુતોષ ગોવરીકરના પુત્રના લગ્ન પ્રસંગે જાહેરમાં દેખાઈ હતી. તેના બદલાયેલા લૂક્સથી ચાહકોને આંચકો લાગ્યો હતો.
ગ્રેસી સિંહ જોકે ફિલ્મોમાં આવી તે પહેલાં પણ 'અમાનત' જેવી ટીવી સિરિયલોને કારણે ઘરેઘરમાં જાણીતું નામ હતું. 'લગાન'માં તેનાં સાદગીભર્યાં સૌંદર્ય તથા નૃત્ય અને ભાવવાહી એક્ટિંગે ચાહકોને આકર્ષ્યા હતા. તે પછી 'મુન્નાભાઈ એમબીબીએસ'માં ચિંકીના રોલમાં તેણે પોતાની છાપ છોડી હતી. જોકે, બાદમાં 'ગંગાજળ' જેવી કેટલીક ફિલ્મોમાં દેખાયા બાદ તે ગાયબ થઈ ગઈ હતી.
આશુષોત ગોવરીકરના પુત્ર કોર્ણાકના લગ્નમાં અનેક બોલીવૂડ સ્ટાર્સ ઉમટયા હતા. આશુતોષે પોતાની ફિલ્મોના મોટાભાગના કલાકારોને આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે આમિર ખાન અને ગ્રેસી સિંહ પણ ફરી એકઠાં થયાં હતાં.
ગ્રેસીએ પાપારાઝી ફોટોગ્રાફર્સને ધીરજપૂર્વક પોઝ આપ્યા હતા. તેને જોઈને ચાહકોએ અનેક કોમેન્ટ કરી હતી. લોકોએ લખ્યું હતું કે તેઓ હજુ પણ આ પ્રતિભાશાળી અભિનેત્રીને ભૂલ્યા નથી. કેટલાક લોકોએ લખ્યું હતું કે ગ્રેસી સિંહને સુંદરતા તથા પ્રતિભા બંનેના પ્રમાણમાં પૂરતો ન્યાય આપવામાં બોલીવૂડ નિષ્ફળ ગયું છે.