દુનિયાદારી ફિલ્મ સાથે છ વર્ષ પછી ગોવિંદા કમબેક કરશે
- થોડા સમય પહેલાં નવો લૂક પ્રગટ કર્યો હતો
- પત્ની સુનિતાના હાલના કેટલાક વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ ગોવિંદાનું નામ ફરી ચર્ચામાં લાવવાનો પ્રયાસ
મુંબઇ : ગોવિંદાએ પોતાની ફિલ્મ 'દુનિયાદારી'ની જાહેરાત કરી છે. આ ફિલ્મ દ્વારા છ વર્ષ પછી તે ફરી બિગ સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ગોવિંદાની અંગત જિંદગી વિશે તેની પત્ની સુનિતા દ્વારા અપાઈ રહેલા વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ આ કમબેક પહેલાં ગોવિંદાનું નામ ચર્ચામાં આવે તે માટેના જ પ્રયાસોના ભાગ રુપે હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. એ સિવાય છેલ્લા કેટલાંય વર્ષોથી ગોવિંદા શું કરે છે, ક્યાં છે તેની કોઈ નોંધ પણ લેતું ન હતું. થોડા સમય પહેલાં તેના પારિવારિક ઝઘડા ઉપરાંત જાતે ગોળી છૂટી જતાં ઈજાને કારણે તેનું નામ સમાચારોમાં આવ્યું હતું.
ગોવિંદાએ પોતે જ એક વિડીયો દ્વારા ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે, તેણે ફિલ્મની વાર્તા કે કલાકારો વિશે કોઈ વિગતો આપી નથી.
ગોવિંદાએ તાજેતરમાં નવા લૂક્સ સાથેની તેની તસવીરો શેર કરી હતી. તે પરથી તે કમબેકની તૈયારી કરી રહ્યો હોવાના સંકેત મળ્યા હતા. ગોવિંદા છેલ્લે ૨૦૧૯માં સિકંદર ભારતીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ 'રંગીલા રાજા'માં દેખાયો હતો.