- રાજકારણમાંથી હવે ફરી ફિલ્મ લાઈનમાં સક્રિય થશે
- કોંગ્રેસ છોડી ચુકેલી મૂળ કન્નડ અભિનેત્રીની હવે ઓટીટી સિરીઝ તથા ફિલ્મો બનાવવાની જાહેરાત
મુંબઈ : કોંગ્રેસની ભૂતપૂર્વ સાંસદ અભિનેત્રી દિવ્યા સ્પંદના રામ્યાએ ફરી મનોરંજન ઉદ્યોગમાં ઝંપલાવ્યું છે.
જોકે, હવે તે અભિનેત્રીને બદલે પ્રોડયૂસર તરીકે પોતાની નવી ઈનિંગ શરુ કરી રહી છે.
મૂળ કન્નડા અભિનેત્રી દિવ્યા સ્પંદનાએ પોતાનાં નવાં પ્રોડક્શન હાઉસના નેજા હેઠળ ઓટીટી સિરીઝ તથા ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે. તેણે બે પ્રોજેક્ટ એનાઉન્સ પણ કરી દીધા છે.
દિવ્યાની હિરોઈન તરીકેની પહેલી ફિલ્મ લોકપ્રિય અભિનેતા પુનિત રાજકુમાર સાથે હતી. તે પછી તેણે ઘણી સફળ ફિલ્મો આપી હતી. બાદમાં દિવ્યા રાજકારણ તરફ વળી હતી અને કોંગ્રેસની સાંસદ પણ બની હતી.
જોકે, એક ટર્મ લોકસભા સાંસદ તરીકે રહ્યા બાદ તે બીજીવાર ચૂંટણી જીતી શકી ન હતી. જોકે, પાર્ટીએ તેને સોશિયલ મીડિયા હેડની જવાબદારી આપી હતી. તેને પગલે તે રાષ્ટ્રીય સ્તરે લાઈમલાઈટમાં આવી ગઈ હતી અને કર્ણાટક બહાર પણ તેનું નામ જાણીતું બન્યું હતું. પરંતુ, પાર્ટી સાથે મતભેદોને પગલે તેણે હોદ્દો અને પક્ષ બંને છોડી દીધાં હતાં. કેટલાક સમયના અજ્ઞાાતવાસ બાદ તે ફરી મનોરંજન ક્ષેત્રમાં પાછી ફરી રહી છે.


