થિયેટરમાં રિલીઝ થનારી ફિલ્મો હવે મિનિમમ બે મહીના પછી જ ઓટીટી પર આવશે

Updated: Jul 9th, 2022


- કોરોનાને કારણે ચાર વીકમાં જ રિલીઝની સમજતી રદ 

- જોકે, શમશેરા માટે અગાઉથી ડીલ થઈ ચુકી હોવાથી તે એક મહીનામાં જ ઓટીટી પર આવી શકે 

મુંબઈ : બોલીવૂડની નવી રિલીઝ થતી ફિલ્મો હવેથી થિયેટરમાં રિલીઝ થયાના બે મહીના પછી જ ઓટીટી પર આવે તેવી જૂની પ્રથા ફરી શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે થિયેટર્સને બિઝનેસ માટે પૂરતા દિવસો મળી રહેશે એવી આશા છે. 

દેશમાં ઓટીટી પર ફિલ્મો રિલીઝ કરવાનું ચલણ શરુ થયું ત્યારે થિયેટરમાં રિલીઝની તારીખ અને ઓટીટી પર રિલીઝની તારીખ વચ્ચે ઓછામાં ઓછાં આઠ સપ્તાહનો ફરક હોવો જોઈએ એવી સમજૂતી થઈ હતી. હવે એ પ્રથા પાછી આવશે. જોકે, ટ્રેડ સૂત્રોમાં ચર્ચા મુજબ રણબીર કપૂરની શમશેરા ફિલ્મ માટે અગાઉથી જ ઓટીટી ડીલ થઈ ચુકી છે. એટલે કમીટમેન્ટ મુજબ એ ફિલ્મ રિલીઝના એક જ મહિનામાં ઓટીટી પર આવી જાય તે શક્ય છે. 

કોરોના કાળમાં  કેટલીય ફિલ્મો થિયેટરને બદલે સીધી ઓટીટી પર રિલીઝ થઈ ગઈ હતી  તે પછી પણ   દેશના જુદાં જુદાં રાજ્યોમાં થિયેટર અલગ અલગ સમયે શરુ થયાં હતાં. બધાં રાજ્યોમાં ઓક્યુપેન્સીની મર્યાદા પણ જુદી જુદી હતી. મુંબઈમાં તો બહુ મોડે સુધી થિયેટર્સ શરુ થયાં ન હતાં અને તે પછી પણ ઓક્યુપેન્સી બહુ લાંબા સમય સુધી ૫૦ ટકા જ રહી હતી. આવા સંજોગોમાં પ્રોડયૂસર્સના પૈસા જલ્દીથી છૂટા થાય તે માટે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેના ચાર જ સપ્તાહમાં ઓટીટી પર રિલીઝ કરી દેવાની છૂટ આપતી સમજૂતી મલ્ટીપ્લેક્સ એસોસિએશન, ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઝ તથા પ્રોડયૂસર્સ એમ તમામ  હિતધારકો વચ્ચે થઈ હતી. 

હવે પાછલા કેટલાક મહિનાઓથી થિયેટર બિઝનેસ નોર્મલ થવા લાગ્યો છે. આરઆરઆર તથા ભૂલભૂલૈયા ટૂ સહિતની ફિલ્મો કમાણીના રેકોર્ડ સર્જી ચુકી છે પરંતું બીજી બાજુ કેટલીય ફિલ્મો બોક્સ ઓફિસ પર દમ તોડી રહી છે. પ્રોડયૂસર્સનું માનવું છે કે દર્શકોને પહેલેથી ખબર જ હોય છે કે આ ફિલ્મ ચાર સપ્તાહમાં ઓટીટી પર આવી જાય છે ેટલે તે થિયેટર સુધી લાંબા થવાનું પસંદ કરતો જ નથી. સમ્રાટ પૃથ્વીરાજ ઓટીટી પર આવી ગઈ છે. જન હિતમેં જારી ફિલ્મ પણ ચાર જ સપ્તાહમાં ઓટીટી પર આવવાની છે. આવું મોટાભાગની ફિલ્મો સાથે થયું છે. 

આ સંજોગમાં થિયેટર રિલીઝ અને ઓટીટી રિલીઝ વચ્ચેનો ગેપ અગાઉની જેમ બે મહિનાનો થાય તો કદાચ દર્શકો વહેલી તકે ફિલ્મ જોવા માટે થિયેટર્સમાં પાછા ફરી શકે છે. આ સંદર્ભમાં ફરી મલ્ટીપ્લેક્સ એસોસિએશન અને ડ્રિસ્ટીબ્યૂશન કંપનીઓ વચ્ચે સમજૂતી થઈ છે. 

જોકે, ટ્રેડના કેટલાક સૂત્રોનું કહેવું છે કે આ બધી દલીલો નિર્ર્થક છે. આરઆરઆર જેવી ફિલ્મો ઓટીટી પર આવે તો પણ લોકો બિગ સ્ક્રીન પર તેની મજા લેવા થિયેટરમાં જશે જ. તાજેતરમાં પહેલાં પુષ્પા અને પછી ભૂલભૂલૈયા ટૂ પણ ઓટીટી પર રિલીઝ થયાનાં કેટલાંય સપ્તાહો પછી પણ થિયેટરમાં હાઉસફૂલનાં પાટિયાં ઝૂલાવતી રહી હતી.

    Sports

    RECENT NEWS