નીના ગુપ્તાની બાયોપિક બનાવવા ફિલ્મ સર્જકો તૈયાર
- નીનાની ઓટોબાયોગ્રાફી સચ કહું તો પ્રગટ થઇ ચૂકી છે
- નીનાએ પોતાની ભૂમિકા કઈ અભિનેત્રીને સોંપવી તે નિર્ણય સર્જકો પર છોડયો
મુંબઇ : બાલિવુડની પ્રતિભાશાળી પરંતુ પોતાની એક્ટિંગ કરતા બોલ્ડ અને બિન્દાસ અભિગમને કારણે વધારે ચર્ચામાં રહેતી અભિનેત્રી નીના ગુપ્તાની અંગત જિંદગી પરથી બાયોપિક બને તેવી શક્યતા છે. કેટલાક સર્જકોએ આ માટે નીનાનો સંપર્ક કર્યો છે.
નીનાની જિંદગી એક ફિલ્મી સફર જેવી જ રહી છે. ક્રિકેટર વિવિઅન રિચર્ડસ સાથેના અફેર અને તેની સાથેના સંબંધથી જન્મલી મસાબાનો એક અપરિણિત માતા તરીકે સ્વીકાર તેના જીવનની સૌથી ચર્ચાયેલી ઘટના છે. એ પછી નીનાએ ૨૦૦૮માં વિવેક મહેરા સાથે લગ્ન કરી લીધા.
નીના ગુપ્તાએ ગયા વરસે પોતાની ઓટોબાયોગ્રાફી સચ કહૂં તો રિલીઝ કરી હતી. હવે નીનાએ જણાવ્યું હતું કે, તનેા પરથી બાયોપિક બનાવવા કેટલાક સર્જકો તેની સાથે ચર્ચા કરી ચૂક્યા છે. જોકે, હજુ આખરી નિર્ણય બાકી છે.
નીનાએ પોતાનું પાત્ર કઈ અભિનેત્રી ભજવે તે નક્કી કરવાનું સર્જકો પર છોડયું છે.
ફિલ્મ બધાઇ હો પછી નીના ફરી બોલીવૂડ અને ઓટીટી પ્લેટફોર્મની વેબ સીરીઝ અને ફિલ્મોમાં વ્યસ્ત થઇ ગઇ છે.