- ફરહાન પણ સંજય લીલા, કરણના માર્ગે
- યુનિવર્સલ સ્ટુડિયો મ્યુઝિક રાઈટ્સ, નફામાં ભાગીદારી તથા બોર્ડમાં સ્થાન મેળવશે
મુંબઇ : બોલિવુડમાં એકલા હાથે કામ કરતા પ્રોડયૂસરોનો જમાન ખત્મ થઈ રહ્યો હોય તેમ હવે ફરહાન અખ્તરે પણ તેની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટનો ૩૦ ટકા હિસ્સો હોલિવુડની કંપની યુનિવર્સલ સ્ટુડિયોની ભારતીય પેટા કંપનીને વેચી દીધો છે.
આ સોદામાં એક્સેલની વેલ્યૂ ૨૪૦૦ કરોડ આંકવામાં આવી છે. ૩૦ ટકા ભાગીદારીના બદલામાં યુનિવર્સલ એક્સેલના તમામ પ્રોજેક્ટસના મ્યુઝિક રાઈટ્સ હસ્તગત કરશે, યુનિવર્સલ નામનું મ્યુઝિક લેબલ પણ શરુ કરશે અને તે ઉપરાંત એક્સેલના તમામ પ્રોજેક્ટમાં નફામાં ભાગીદારી પણ ધરાવશે. યુનિવર્સલની ભારતીય કંપનીના પદાધિકારીને એક્સેલના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં પણ એન્ટ્રી મળશે.
અગાઉ કરણ જોહરે પોતાની ધર્મા પ્રોડક્શનનો ૫૦ ટકા હિસ્સો પુણેના આદર પુનાવાલા ગ્રૂપને વેચ્યો હતો. તાજેતરમાં સંજય લીલા ભણશાલીએ પણ પોતાની પ્રોડક્શન કંપનીનો મેજર હિસ્સો સારેગામા કંપનીને વેચી દીધો છે.
બોલિવુડમાં એક સમયે રાજ કપૂર, જી પી સિપ્પી, યશ ચોપરા, સુભાષ ઘઈ, ગુલશન રાય જેવા નિર્માતાઓ એકલા હાથે તમામ નાણાંકીય જોખમો લઈ ફિલ્મો બનાવતા હતા. જોકે, ૯૦ના દાયકા પછી ધીમે ધીમે કોર્પોરેટ કંપનીઓએ પગપેસારો શરુ કર્યો હતો. હવે બોલિવુડમાં બહુ ઓછા સિંગલ પ્રોડયૂસર બચ્યા છે અને મોટાભાગનો કારોબાર કોર્પોરેટ કંપનીઓ હસ્તક જ છે.


