મુંબઈ : ફિલ્મસર્જક અને કોરીયોગ્રાફર ફરાહ ખાને તેના ચાહકોને ઉત્સાહિત કરતા પુષ્ટી કરી છે કે તે ફિલ્મ દિગ્દર્શન સાથે પુનરાગમનની તૈયારી કરી રહી છે. પોતાના નિખાલસ અને મનોરંજક યુ ટયુબ વ્લોગ સાથે તે લોકપ્રિય હોવા છતાં તેના અનેક ચાહકો સિનેમામાં તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફરાહે તાજેતરમાં આ અપેક્ષાઓનો જવાબ આપતા કહ્યું કે કેમેરાની પાછળ આવવાનો હવે ખરો સમય છે.
કલાકાર નકુલ મહેતાના મુંબઈ સ્થિત ઘરે રેકોર્ડ કરેલા પોતાના તાજેતરના વ્લોગમાં ફરાહે જણાવ્યું કે આ વર્ષના અંત સુધીમાં તે પોતાનો દિગ્દર્શક તરીકેનો પ્રોજેક્ટ શરૂ કરી દેશે. ઓનલાઈન પીટીશન 'વાપસ આઓ ફરાહ ખાન'નો રમૂજ સાથે જવાબ આપતા ફરાહે સ્પષ્ટતા કરી કે તેના સંતાનો હવે ટૂંક સમયમાં કોલેજ જતા થવાના હોવાથી તે ફરી ફિલ્મસર્જન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા તૈયાર થઈ છે.
ફરાહ ખાને એવી પણ સ્પષ્ટતા કરી કે તેની વાપસીમાં શાહરૂખ ખાન સામેલ હશે. તેણે જણાવ્યું કે શાહરૂખ કાસ્ટમાં હશે તો જ તે ફિલ્મનું દિગ્દર્શન કરશે અન્યથા તે યુટયુબ સાથે સંતુષ્ટ છે. શાહરૂખ અને ફરાહની જોડીએ મોટી સફળ ફિલ્મો આપી છે, ખાસ કરીને 'ઓમ્ શાંતિ ઓમ્' જેમાં દીપિકા પાદુકોણેને પણ લોન્ચ કરાઈ હતી અને તે બ્લોક બસ્ટર બની હતી.
શાહરૂખ સાથે દિગ્દર્શક તરીકે તેનો છેલ્લો પ્રોજેક્ટ ૨૦૧૪માં 'હેપ્પી ન્યુ યર' હતો જેમાં દીપિકા, સોનુ સૂદ અને બોમન ઈરાની પણ હતા અને આ ફિલ્મે સારી સફળતા હાંસલ કરી હતી.
દરમ્યાન શાહરૂખ ખાન છેલ્લે ૨૦૨૩માં 'દુનકી'માં દેખાયો હતો અને હાલ સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત 'કિંગ'માં કામ કરી રહ્યો છે જેમાં તેની પુત્રી સુહાના સાથે તે સહયોગ કરશે.


