હનુમાનજી પર ભરોસો નથી તેવી રાજામૌલીની કોમેન્ટથી ચાહકો ભડક્યા

- નાસ્તિક હોવાનું કહી નારાજગી ઠાલવી
- વારાણસીની ઈવેન્ટમાં ટેકનિકલ ગરબડો થતાં ભગવાન પર દોષનો ટોપલો ઢોળ્યો
મુંબઇ : ફિલ્મસર્જક એસ એસ રાજામૌલીની ફિલ્મ 'વારાણસી'ની એક ઇવેન્ટમાં ટેકનિકલ ખામીઓ સર્જાઇ હતી. આ ખામીઓ માટે તેમણે ભગવાન હનુમાનને દોષી ઠેરવ્યા હતા.તેના કારણે લોકોએ તેની સખત ઝાટકણી કાઢી છે. લોકોએ તેમને નાસ્તિક હોવાનું જણાવી આકરી ટીકાઓ કરી હતી.
ફિલ્મનાં શીર્ષકની ઘોષણાની ઇવેન્ટમાં ટેકનિકલ ખામીઓને કારણે ટ્રેલર દર્શાવવામાં મુશ્કેલીઓ થઇ હતી. રાજામૌલીના પિતા અને પત્ની બન્ન હનુમાન ભક્ત છે, અને તેમનામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. પરંતુ ઇવેન્ટમાં ફજતી થતાં રાજામૌલીએ નિરાશા અને ગુસ્સેથી ભગવાન હનુમાન પર ગુસ્સો ઠાલવ્યો હતો. તેણે નિરાશ થઇને કહ્યું હતું કે, હું ભગવાનમાં વિશ્વાસ કરતો નથી.પરંતુ મારા પિતાએ મને કહ્યું હતું કે, ભગવાન તારું માર્ગદર્શન કરશે. શું ભગવાન આ રીતે મને મદદ કરી રહ્યા છે ? ફરી બીજી વખત રાજામૌલીએ ટ્રેલર દેખાડવાના પ્રયાસ કરતા કહ્યું હતું કે, મારા પિતાજીની શ્રદ્ધાથી એક વખત મને ભગવાને મદદ કરી છે. હવે મારી પત્નીના હનુમાન બીજી વખત મારી મુશ્કેલીમાંથી રાહત આપે છે કે નહીં તે જોઇએ. આ ક્લિપ વાયરલ થતાં ચાહકો ભડક્યા હતા.

