'મને જી હજૂરી કરતા નથી આવડતું...' બોલિવૂડમાં ન ગાવા અંગે ગરબા ક્વિન ફાલ્ગુનીનો ખુલાસો
Falguni Pathak: નવરાત્રિ અને ગરબાનો ઉલ્લેખ થતા જ લોકોના મનમાં ગરબા ક્વિન ફાલ્ગુની પાઠકનું નામ આવી જ જાય છે. ગરબા નાઈટ સિંગરના ગીતો વિના અધૂરી રહી જાય છે. ક્વિન ઓફ ઈન્ડિયાના નામથી જાણીતી ફાલ્ગુની પાઠકે 'યાદ પિયા કી આને લગી' અને 'મેને પાયલ હે છનકાઈ' જેવા સુપરહિટ ગીતો આપ્યા છે. તેણે ઘણાં સુપરહિટ ગીતો આપ્યા છતાં તેણે ક્યારેય બોલિવૂડ માટે નથી ગાયું. હવે તેણે એક ઈન્ટરવ્યૂમાં આ અંગે ખુલાસો કરીને તેની પાછળનું કારણ જણાવ્યું છે.
મારો અવાજ ખૂબ જ સોફ્ટ
ફાલ્ગુની પાઠકે કહ્યું કે,' મેં એ તરફ વધુ ધ્યાન નથી આપ્યું. પહેલા તો મને લાગતું હતું કે, કદાચ મારો અવાજ બોલિવૂડ માટે નથી બન્યો. મારો અવાજ ખૂબ જ સોફ્ટ છે. તેમાં વેરિયેશન નથી. બોલિવૂડમાં ગાવા માટે તમારે તેના પર કામ કરવું પડે છે.'
મને કોઈની જી હજૂરી કરતા નથી આવડતું
બીજી વાતો એ છે કે, 'પહેલા એવું થતું હતું કે સ્ટુડિયોમાં જઈને મ્યુઝિક ડાયરેક્ટર સાથે મુલાકાત કરો. રાહ જુઓ. ત્યાં બેસો. આ મારા નેચરમાં નથી. મારું જે કામ ચાલી રહ્યું છે તે બરાબર છે. મને કોઈની જી હજૂરી કરતા નથી આવડતું. પહેલા એવું થતું હતું. જો કે, હવે તો નથી થતું. હું જે કરી રહી છું તેમાં ખુશ છું.'