Explainer : ઓસ્કાર 2027માં નાગાલેન્ડની ફિલ્મ 'અંગ'ની પણ ડાયરેક્ટ એન્ટ્રી, જાણો ભારતની બે ફિલ્મો કેવી રીતે હોલિવૂડ પહોંચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Oscars 2027 Indian Films : સિનેમા પ્રેમીઓ માટે 2027 ના ઓસ્કાર એવોર્ડ્સ ખૂબ જ રોમાંચક રહેવાના છે! સામાન્ય રીતે, નિયમ એવો છે કે કોઈપણ દેશ ઓસ્કાર એવોર્ડ્સમાં પોતાની તરફથી માત્ર એક જ સત્તાવાર ફિલ્મ મોકલી શકે છે. આ વર્ષે 'ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા' એ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મરાઠી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ગોંધલ' (Gondhal) ની પસંદગી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, નાગાલેન્ડની એક શાનદાર ફિલ્મ 'અંગ' (Angh) પણ સત્તાવાર એન્ટ્રી ન હોવા છતાં ઓસ્કાર 2027 ની રેસમાં સામેલ થઈ ગઈ છે. આખરે આ કેવી રીતે શક્ય બન્યું?
ઓસ્કારનો નવો નિયમ શું છે જેનો ફાયદો ‘અંગ’ને મળ્યો
'અંગ' ભારતની સત્તાવાર એન્ટ્રી નથી, તેમ છતાં તેને ઓસ્કારમાં સ્થાન મળવા પાછળનું મુખ્ય કારણ એક નવો નિયમ અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) માં મળેલી મોટી જીત છે. ઓસ્કાર 2026 થી એકેડેમીએ એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જે મુજબ, જો કોઈ બિન-અંગ્રેજી ફિલ્મ દુનિયાના 6 પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ (જેમ કે TIFF, કાન, બર્લિન, વેનિસ, બુસાન અને સનડાન્સ) માં કોઈ ચોક્કસ મોટો એવોર્ડ જીતે, તો તેને ઓસ્કારની 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' કેટેગરીમાં સીધી જ વિચારણા માટે લઈ શકાય છે.
'અંગ' ની અનોખી સિદ્ધિ
20 સપ્ટેમ્બર 2026 ના રોજ 'અંગ' ફિલ્મે TIFF માં 'પ્લેટફોર્મ એવોર્ડ' અને 20,000 કેનેડિયન ડોલરનું ઇનામ જીત્યું. આ જીતને કારણે 'અંગ' ને દેશની સત્તાવાર એન્ટ્રી બન્યા વિના જ ઓસ્કાર સુધી પહોંચવાનો સીધો અને અલગ રસ્તો મળી ગયો.
શું છે 'અંગ'ની વાર્તા?
'અંગ' 1962-1963 ના સમયગાળાના નાગાલેન્ડની વાર્તા છે, જ્યારે નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળવાનો બાકી હતો. આ ફિલ્મ કોન્યાક (Konyak) સમુદાય પર આધારિત છે, જે પ્રકૃતિ પૂજા અને દુશ્મનોના માથા કાપવાની પ્રથા (હેડહંટીંગ) માટે જાણીતો હતો.
વાર્તા ગામના વૃદ્ધ મુખિયા (જેમને 'અંગ' કહેવાય છે) અને એક અમેરિકન મિશનરી વચ્ચેના સંઘર્ષની છે. મિશનરીના આગમનથી ધીમે ધીમે આખું ગામ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, જે જૂની પરંપરાઓને વળગી રહેલા મુખિયાને વિશ્વાસઘાત જેવું લાગે છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક સંઘર્ષની સીધી અસર મુખિયા અને તેના પુત્રના સંબંધો પર પડે છે. 1960 ના દાયકાનો અસલ લુક આપવા માટે આ ફિલ્મ સંપૂર્ણપણે કોન્યાક ભાષામાં અને 16mm કેમેરાથી શૂટ કરવામાં આવી છે.
કલાકારો અને નિર્માતાની સફર
આ ફિલ્મના ડાયરેક્ટર 31 વર્ષીય તેજા રિયો છે, જેઓ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇફિયુ રિયોના ભત્રીજા છે. યુકેની ફિલ્મ સ્કૂલમાંથી ભણેલા તેજા રિયોએ 2021 માં 'અંગ' નામની એક શોર્ટ ફિલ્મ બનાવી હતી, જેને વિસ્તૃત કરીને હવે આ ફિચર ફિલ્મ બનાવવામાં આવી છે.
ફિલ્મમાં 'અંગ' (મુખિયા) નું ગંભીર પાત્ર સ્થાનિક સ્ટેન્ડ-અપ કોમેડિયન એંગલોંગ કોન્યાકે ખૂબ જ સહજતાથી ભજવ્યું છે. જ્યારે અમેરિકન મિશનરીના રોલમાં બ્રિટિશ એક્ટર ડગ્લાસ હેનશાલ જોવા મળે છે. અન્ય કલાકારોમાં સોબિનો રેંગમા, ગેનપાઈ કોન્યાક, અને વાંગટન કોન્યાકનો સમાવેશ થાય છે.
પ્રચાર માટે આર્થિક ભંડોળનો પડકાર
ફિલ્મના નિર્માતા નેન્સી નિસા બેસો (41) અને વર્લ્ડ સેલ્સ એજન્ટ ગૌરવ ઢીંગરા (47) માટે ઓસ્કાર સુધીની સફર આસાન નથી. ઓસ્કાર એવોર્ડની રેસમાં હોય એ ફિલ્મોના પ્રચાર માટે મોટો ખર્ચ થતો હોય છે. ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થયેલી ફિલ્મ 'ગોંધલ' ને સરકાર તરફથી 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય મળશે. પરંતુ 'અંગ' સત્તાવાર એન્ટ્રી ન હોવાથી, ઓસ્કારમાં પ્રચાર (લોબિંગ) કરવાનો તમામ મોટો ખર્ચ નિર્માતાઓએ જાતે જ ઉઠાવવો પડશે.
જોકે, ગૌરવ ઢીંગરા અને બેસો ખૂબ જ આશાવાદી છે. તેઓ માને છે કે TIFF એવોર્ડ જીતવાને કારણે ઓસ્કારના વોટર્સ પહેલેથી જ 'અંગ' ફિલ્મ વિશે જાણે છે, જે તેમને મોટો ફાયદો કરાવી શકે છે. તેમનું માનવું છે કે માત્ર ભારતીય સંસ્કૃતિ દર્શાવતી ફિલ્મો મોકલવા કરતાં વૈશ્વિક સિનેમા સાથે સ્પર્ધા કરી શકે તેવી ગુણવત્તાવાળી ફિલ્મો મોકલવી વધુ જરૂરી છે - બરાબર એ જ રીતે જેમ ગણિતની સ્પર્ધામાં શાળાના પ્રતિનિધિ તરીકે ભાષાના નિષ્ણાતને બદલે ગણિતના જ હોશિયાર વિદ્યાર્થીને મોકલવો જોઈએ.
‘અંગ’ માટે હજુ પણ ‘વેઇટ એન્ડ વૉચ’ની સ્થિતિ
હાલમાં 'અંગ' ફિલ્મ માત્ર ઓસ્કારની વિચારણા માટે પાત્ર બની છે. હવે એકેડેમી દ્વારા ફિલ્મોની સમીક્ષા થશે. 15 ડિસેમ્બર 2026 ના રોજ 15 ફિલ્મોનું પહેલું શોર્ટલિસ્ટ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 17 જાન્યુઆરી 2027 ના રોજ અંતિમ 5 નોમિનેશન જાહેર થશે અને છેલ્લે 14 માર્ચ 2027 ના રોજ ઓસ્કાર સમારોહ યોજાશે. ગૌરવ ઢીંગરાના મતે 'અંગ' ના ટોપ 5 માં પહોંચવાના ચાન્સ 10 માંથી 8 છે.
ઓસ્કારના ઇતિહાસમાં ભારતની ત્રણ ફિલ્મો
અત્યાર સુધીમાં ભારતની ત્રણ ફિલ્મો ઓસ્કારમાં અંતિમ 5 માં પહોંચી શકી છે: 1957માં 'મધર ઇન્ડિયા', 1988માં 'સલામ બોમ્બે!' અને 2001માં 'લગાન'. 2022માં 'છેલ્લો શો' અને 2025માં 'હોમબાઉન્ડ' 15 ફિલ્મોના શોર્ટલિસ્ટ સુધી પહોંચી શકી હતી. 2006 માં ભારતીય ફિલ્મ 'વોટર' નોમિનેટ થઈ હતી, પરંતુ તે કેનેડા દેશ તરફથી મોકલવામાં આવી હતી, કેમ કે ફિલ્મના નિર્માતા કેનેડાના હતા.
હવે એ જોવું રસપ્રદ રહેશે કે મરાઠી ફિલ્મ 'ગોંધલ' અને નાગાલેન્ડની 'અંગ' માંથી કઈ ફિલ્મ ઓસ્કારના મંચ પર ભારતનું નામ રોશન કરે છે!




