નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ Whatsapp પર તલાકની લીગલ નોટિસ મોકલી
મુંબઇ, 18 મે 2020 સોમવાર
લગ્નના 10 વર્ષ બાદ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા એ છેવટે લોકડાઉનમાં પતિને છૂટાછેડાની કાનૂની નોટિસ મોકલી છે. નવાઝુદ્દીન સિદ્દીકી પત્નીના એડવોકેટ અભય સહાયએ સ્પષ્ટતા કરી છે કે, હાલનાં સમયે પોસ્ટ ઓફિસ બંધ હોવાથી અને સ્પીડ પોસ્ટથી નોટિસ મોકલી શકાતી ન હોવાથી અભિનેતાને વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા નોટિસ મોકલી છે.
ત્યાં જ , નવાઝની પત્નીએ આ નોટિસ અંગે કહ્યું છે કે તેની પાસે આ સિવાય કોઈ વિકલ્પ નહોતો. બંને પતિ-પત્ની ઘણા સમયથી એકબીજાથી અલગ રહેતા હતા. નવાઝનાં બાળકો પણ તેમની પત્નીની પાસે જ રહે છે. આલિયાએ તેના બગડેલા સંબંધો પર પણ વાત કરી છે.
વકીલે કહ્યું કે તેમના ક્લાયન્ટે નવાઝ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે, પરંતુ અત્યારે તેની પત્ની એક્ટર તરફથી નોટિસના જવાબની રાહ જોઈ રહી છે.
આલિયાના વકીલ અભય સહાયના જણાવ્યા અનુસાર તેના અસીલ અને અભિનેતાની પત્નીએ તલાક અને ભરણપોષણ માટે આ નોટિસ મોકલી છે.
વકીલના કહેવા પ્રમાણે આલિયાએ ખુદ આ નોટિસની એક નકલ નવાઝને વોટ્સએપ પર મોકલી છે, પરંતુ નવાઝુદ્દીને પણ આ નોટિસનો જવાબ આપવો જરૂરી માન્યું નથી.
એડવોકેટ અભયે જણાવ્યું હતું કે આલિયા અને નવાઝના સંબંધ ઘણાં લાંબા સમયથી બગડ્યા હતા, જેના કારણે તે બંને લાંબા સમયથી અલગ રહી રહ્યા છે. આથી જ તેના અસીલે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે.