ભલે કોઈ મહિલા થોડો સમય પ્રસિદ્ધિ મેળવી લે : વિજય સેતુપતિ
- કાસ્ટિંગ કાઉચના આરોપો મૂકાતાં ભારે નારાજ
- નવી ફિલ્મ પહેલાં બદનામ કરવા કોઈ ઈર્ષાળુએ કાવતરું રચ્યાની શંકા
મુંબઈ : ભારતભરમાં લોકપ્રિય મૂળ સાઉથના ટોચના સ્ટાર વિજય સેતુપતિએ પોતાના પર લગાવાયેલા કાસ્ટિંગ કાઉચના આરોપો ફગાવી દીધા છે. તેણે કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા મૂકાયેલા આ આક્ષેપો સંદર્ભમાં પોતે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેની નવી ફિલ્મ 'થલાઈવાન થલાઈવી' રીલિઝ થવાની છે તે પહેલાં તેની પ્રતિષ્ઠા ધૂળધાણી કરવા માટે કોઈએ ઈર્ષાવશ આવા આક્ષેપોનું કાવતરું ઘડયું છે. તેણે કહ્યું હતું કે મને ઈન્ડસ્ટ્રીમાં સ્હેજ પણ જાણનારી કોઈપણ વ્યક્તિ આવા આરોપોને હસી કાઢશે. આ પ્રકારની ગંદકી ફેલાવવાથી હું અપસેટ થવાનો નથી. સંબંધિત મહિલા પ્રસિદ્ધિ પામવા માટે આવું કરી રહી હોવાનું જણાય છે. ભલે તે થોડા સમય માટે પ્રસિદ્ધિ ભોગવી લે. રામ્યા મોહન નામના એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી થયેલી પોસ્ટમાં વિજય સેતુપતિ પર કાસ્ટિંગ કાઉચના આરોપો મૂકવામાં આવ્યા હતા. તેમાં જણાવાયું હતું કે વિજય સેતુપતિ પોતે સંતમાણસ હોવાનો ડોળ આચરે છે પરંતુ એક યુવતીને તેણે કેરેવાનમાં મનપસંદ બાબતો કરવા દેવા માટે બે લાખ ઓફર કર્યા હતા.
આવી એક જ નહિ પરંતુ અનેક યુવતીઓ છે. જોકે, બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દેવાઈ હતી.