લોકડાઉનમાં પણ મનોરંજન ઉદ્યોગ અધધધ કમાણી કરી રહ્યો છે
- ઓટીટી પ્લેટફોર્મનો બિઝનેસ વધી જતાં લાગે છે કે ફિલ્મ રિલીઝની રણનિતી બદલવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 21 એપ્રિલ 2020, મંગળવાર
લોકડાઉનના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વ્યવસાય ઠપ થઇ ગયો છે તેવું લોકો માની રહ્યા છે. ઓટીટી પ્લેટફોર્મ આજે ધમધમી રહ્યું છે અને અત્યાર સુધીમાં આ પ્લેયર પરથી મહિનામાં ફક્ત બે જ નવી સીરીઝ રિલીઝ થતી હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી છ નવી સીરીઝ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં નાના બજેટની ફિલ્મોને પણ આ જ પ્લેટફોર્મ પર રીલિઝ કરવાની વિચારણા થઇ રહી છે. જેથી બિગ બજેટ ફિલ્મોને વિન્ડો મળી શકે.
ઓટીટી પ્લેટફોર્મ પર ૩૪ ટકા જેટલી તેજી આવી છે. આ બાબતે એક કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ્જોતાં અમે બાળકો અને પરિવાર સાથે જોડાયેલી કન્ટેન્ટને ફ્રી કરી દીધી છે. એના પર અમને સારી પ્રતિક્રિયા મળી છે. અન્ય એક કંપનીના અધિકારીએ પણ કહ્યું હતું અમને પણ દર્શકોની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ સાથે જોડાયેલા ડિવાઇસના વેંચણમાં પણ વૃદ્ધિ આવી છે. લોકો ઘરથી બહાર નહીં નીકળતા હોવાથી ઓટીટી પ્લેટફોર્મના દર્શકોની સંખ્યામાં વધારો થયો છે.
છેલ્લા થોડા સમયથી ટીવી ન્યુઝ રેટિંગ્સમાં સતત ઘટાતો થયો હતો. પરંતુ કોવિડ ૧૯ પ્રકોપને લગતા સમાચારના કારણે તેમાં સતત ઉછાળો આવી રહ્યો છે. ન્યુઝ વેબસાઇટસ તેમજ મોબાઇલ એપ્લિકેશનન્સના ટ્રાફિકમાં પણ લગભગ ૬૧ ટકાનો ફાયદો થયો છે. જોકે ટેલિવિઝનની મનોરંજન ચેનલનો આંકડા નકારાત્મક છે. શૂટિંગ ન થવાથી શો આગળ વધી શકતા નથી તેમજ નવા શો શરૂ થઇ શક્યા નથી. અત્યાર સુધીમાં ટચૂકડા પડદાને ૫-૦-૬૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ગયું છે અને હજી પણ તેમાં વધારો થશે.
આ ઉપરાત બિગ બજેટ ફિલ્મોને પણ ધક્કો લાગી રહ્યો છે. હવે એવી વાતો ચાલી રહી છે કે, નાના બજેટની ફિલ્મોને થિયેટર સુધી લઇ જવાની બદલે સીધી ઓટીટી પર જ રિલીઝ કરવામાં આવે જેથી બિગ બજેટ ફિલ્મોને વિન્ડો મળી શકે.