સમ્રાટ પૃથ્વીરાજ ફ્લોપ જતાં એક મહિનામાં જ ઓટીટી પર આવશે

- બોક્સ ઓફિસ કલેક્શનમાં અડધો પણ ખર્ચ નહીં નીકળે 

- હિટ ફિલ્મોમાં આઠ વીકની રાહ જોવાય છેઃ જયેશભાઈ પણ એક મહિનામાં ઓટીટી પર આવી ગઈ 

મુંબઈ


અક્ષય કુમારની સુપર ફ્લોપ ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' તેની રિલીઝ ડેટના એક મહિનામાં જ ઓટીટી પર રિલીઝ થઈ જાય તેવી સંભાવના છે. બોક્સ ઓફિસ પર કંગાળ પ્રદર્શન બાદ ફિલ્મના નિર્માતાઓએ વહેલી તકે ઓટીટી પર રિલીઝનો નિર્ણય લીધાનું મનાય છે. 

દેશમાં ઓટીટી પર ફિલ્મ રિલીઝનો સિલસિલો ચાલુ થયો તે પછી ફિલ્મ નિર્માતાઓ, ડિસ્ટ્રીબ્યૂટર્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે ફિલ્મ  થિયેટરમાં રિલીઝ થાય તેના આઠ સપ્તાહ પછી ઓટીટી પર રિલીઝ કરવામાં આવે જેથી ડિસ્ટ્રીબ્યૂટર્સ તથા એક્ઝિબિટર્સને નુકસાન ના થાય. જોકે, કોરોના પછીના સમયમાં નિર્માતાઓનું નુકસાન ઘટાડવા મહત્તમ ચાર સપ્તાહ બાદ જ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરી દેવા સંમતિ સધાઈ હતી. સલમાન ખાનની રાધે ફિલ્મને અપવાદરુપ સંજોગોને ધ્યાને રાખીને એક જ દિવસે થિયેટર અને ઓટીટી પર રિલીઝ કરવાની છૂટ આપવામાં આવી હતી. 

હવે જોકે ઓટીટી પ્લેટફોર્મ્સ પણ ફિલ્મોની ખરીદી બાબતે સાવધ થઈ ગયાં છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી ચાલે છે તેના આધારે તેઓ ફિલ્મની ડીલને રિનેગોશિયેટ કરવાની જોગવાઈ કરારમાં રાખે જ છે. બીજી તરફ નિર્માતાઓ પણ ફિલ્મ કેવી ચાલશે , કેવી નહીં તેના આધારે ચાર કે આઠ સપ્તાહ પછી રિલીઝ એમ બંને વિકલ્પ ખુલ્લા રાખે છે. 

સમ્રાટ પૃથ્વીરાજના કિસ્સામાં પણ ઠીકઠાક કલેક્શન આવે તો આઠ સપ્તાહ પછી જ ઓટીટી પર રિલીઝનો નિર્ણય અગાઉ લેવાયો હતો. પરંતુ, ૨૦૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ હજુ ૬૫ કરોડ રુપિયાની આસપાસના કલેક્શન પર માંડ પહોંચી છે અને કેટલાંય સ્થળોએ તો પ્રેક્ષકોના અભાવે શો રદ કરવા પડયા છે. આ સંજોગોમાં તેનો બોક્સ ઓફિસ કલેક્શનમાંથી અડધો પણ ખર્ચો નીકળે તેવી શક્યતા હવે ધૂંધળી બની ગઈ છે. આથી તે ચાર સપ્તાહ બાદ એટલે કે રિલીઝના એક મહિનામાં જ ઓટીટી પર રિલીઝ કરી દેવાનો નિર્ણય લેવાયાનું ટ્રેડ સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. 

યશરાજ ફિલ્મ્સની જયેશભાઈ જોરદાર પણ થિયેટરમાં રિલીઝના એક મહિનામાં ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી હતી.

City News

Sports

RECENT NEWS