Get The App

મીઠી નદી કૌભાંડ મામલે જાણીતા અભિનેતા ડિનો મોરિયાના ઠેકાણાઓ પર EDના દરોડા

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
મીઠી નદી કૌભાંડ મામલે જાણીતા અભિનેતા ડિનો મોરિયાના ઠેકાણાઓ પર EDના દરોડા 1 - image

Mithi River Cleaning Scam: અભિનેતા ડિનો મોરિયા હાલમાં પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડ મામલે ચર્ચામાં છે. તે આ કૌભાંડની તપાસમાં ફસાઈ રહ્યો છે. આ કેસમાં અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયાનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ એક ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDના સૂત્રોએ જણાવ્યું કે, ડિનો મોરિયાના ભાઈ સેન્ટિનોને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા

સૂત્રો પાસથી મળેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા છે. મીઠી નદી કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડસની તપાસમાં ડિનો મોરિયાનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે, મીઠી નદી કૌભાંડના આરોપી કેતન સાથે ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોએ ઘણી વખત ફોન કોલ પર વાતચીત થઈ છે.



EOW પણ ડિનો અને તેના ભાઈની પૂછપરછ કરી ચૂકી છે

ED પહેલાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની ટીમે અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઈ બંનેની પૂછપરછ કરી છે. બંનેને ગત અઠવાડિયે જ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

શું છે મીઠી નદી કૌભાંડ?

વાસ્તવમાં મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા મીઠી નદીની સફાઈ કરાવી હતી. આ કૌભાંડ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા સ્લજ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, આ મશીનો કોચી સ્થિત કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા અને આમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ કેસમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી છે.

આ બંને પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને બીએમસીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. કથિત રીતે મીઠી નદીના કથિત ડિસિલ્ટિંગ કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.