યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની આપવીતી પર બનશે, Operation AMG
- આ ફિલ્મ આવતા વર્ષે પ્રજાસત્તાક દિને રિલીઝ થશે
નવી દિલ્હી,તા.30 જાન્યુઆરી 2023,સોમવાર
રશિયા-યુક્રેનના યુદ્ધ દરમિયાન ફસાયેલા ભારતીયોની આપવીતી પર ફિલ્મ બનાવ જઈ રહી છે. આ ફિલ્મનું નામ 'ઓપરેશન એએમજી' છે. ધ્રુવ લાઠર નિર્દેશિત આ ફિલ્મ આવતા વર્ષના પ્રજાસત્તાક દિને રજૂ થવાની છે. આ ફિલ્મમાં યુદ્ધ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે કરવામાં આવેલા ઓપરેશન વિશે બતાવવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવા માટે તૈયાર છે.
એબીના એન્ટરટેઈનમેન્ટ તરફથી 'ઓપરેશન એએમજી'નું નિર્માણ સુનીલ જોશી અને નીતુ જોશીએ કર્યું છે અને સતીશ શેટ્ટીના સહ-નિર્માતા છે. આ સાથે જ ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે સમીર અરોડા અને પ્રેરણા ધરાપે લખી છે. આ ફિલ્મમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સામે લાવનારી ઘટનાઓ પર સંપૂર્ણ ભાર મૂકવામાં આવશે, જ્યાં ભારતીયો સહિત લાખો લોકો પોતાનો જીવ દાવ પર લગાવીને ફસાયેલા હતા. જેમાં તમામ વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાની કામગીરી કેવી રીતે હાથ ધરવામાં આવી તે દર્શાવવામાં આવશે.