અજય દેવગણે વરુણ-આયુષ્માનને ધૂળ ચટાડી, 'દૃશ્યમ 2'ની શાનદાર કમાણી
- 'દૃશ્યમ 2'નું વિશ્વભરમાં 250 કરોડથી વધુનું કલેક્શન
મુંબઈ, તા. 04 ડિસેમ્બર 2022, રવિવાર
અજય દેવગનની 'દૃશ્યમ 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના 16 દિવસ બાદ પણ ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. આલમ એ છે કે તેની સામે રિલીઝ થયેલી વરુણ ધવનની 'ભેડિયા' અને આયુષ્માન ખુરાનાની 'એન એક્શન હીરો' ટિકિટબારી પર દર્શકો માટે સંઘર્ષ કરી રહી છે. છેલ્લા બે અઠવાડિયાથી માત્ર 'દૃશ્યમ 2' પૂરજોશમાં ચાલે છે. ઘરેલુ બોક્સ ઓફિસની સાથે સાથે આ ફિલ્મ વિશ્વભરમાં કમાણી કરી રહી છે.
'દૃશ્યમ 2'નો જલવો કાયમ
18 નવેમ્બર 2022ના રોજ રિલીઝ થયેલા 'દૃશ્યમ 2'ના કલેક્શનમાં ત્રીજા શનિવારે એટલે કે 16માં દિવસે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. ઘરેલુ બોક્સ ઓફિસ પર જ્યાં ફિલ્મ 200 કરોડની કમાણી કરવાની નજીક પહોંચી રહી છે ત્યાં તેણે વિશ્વભરમાં 250 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. શનિવારે ફિલ્મે માત્ર હિન્દીમાં 23.58% ઓક્યુપેન્સી નોંધાવી છે.
વિશ્વભરમાં આટલા કરોડની કરી કમાણી
'દૃશ્યમ 2' એ શરૂઆતના દિવસે 15.38 કરોડ સાથે ખાતું ખોલાવ્યું હતું ત્યારબાદ પાછળ ફરીને જોયું નથી. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. તો બીજા સપ્તાહમાં આ આંકડો 58 કરોડને પાર પહોંચી ગયો. 16 દિવસમાં તેણે દેશમાં 8 કરોડની નેટ કમાણી કરી છે. આ સાથે ફિલ્મનો કુલ બિઝનેસ 167.93 કરોડ પર પહોંચી ગયો છે. વર્લ્ડ વાઈડ કમાણી વિશે વાત કરીએ તો 'દૃશ્યમ 2' 'એ વિશ્વભરમાં 255.11 કરોડનું કલેક્શન કર્યું છે. જેમાંથી 42.15 કરોડનો બિઝનેસ વિદેશી માર્કેટમાંથી સામેલ છે.
વરુણ-આયુષ્માનને ધૂળ ચટાડી
બીજી તરફ વરુણ ધવનની ફિલ્મ 'ભેડિયા'ની હાલત સિનેમાઘરોમાં ખૂબ જ ખરાબ ચાલી રહી છે. આ ફિલ્મે તેની રિલીઝના 9મા દિવસે 3.25 કરોડનું કલેક્શન કર્યું હતું અને તેની કુલ કમાણી 47.37 કરોડ થઈ હતી. એટલે કે રિલીઝના 9 દિવસ બાદ પણ ફિલ્મ 50 કરોડનો આંકડો પાર કરી શકી નથી. બીજી તરફ, આ અઠવાડિયે રિલીઝ થયેલી આયુષ્માન ખુરાનાની 'એન એક્શન હીરો' તેની રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે માત્ર 1.70 કરોડનો જ બિઝનેસ કરી શકી છે.