Fa9la sets Guinness World Record: બહેરીનના ફેમસ રેપર ફ્લિપરાચીએ મ્યૂઝિકની દુનિયામાં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જેનું દરેક કલાકાર સ્વપ્ન જુએ છે. ફિલ્મ 'ધુરંધર'ના સુપરહિટ ગીત Fa9laએ સત્તાવાર રીતે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ના ગીત Fa9laએ બિલબોર્ડ અરબિયા ચાર્ટર્સમાં સૌથી લાંબા સમય સુધી ટોપ પર રહેવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે આ સિદ્ધિએ ફ્લિપરાચીને રાતોરાત ભારતમાં એક મોટું નામ બનાવી દીધું છે. રેપરે પોતાની આ ખુશી એક વીડિયો દ્વારા શેર કરી છે.
રેપર ફ્લિપરાચીએ શું કહ્યું?
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ આવ્યા બાદ પોતાની આ મોટી જીત પર પ્રતિક્રિયા આપતા ફ્લિપરાચીએ કહ્યું, 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ, હબીબી! આ એહસાસ ખૂબ જ શાનદાર છે.' તેણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, 'આ ગીત એ ભાષા (હિન્દી)માં લોકપ્રિય બન્યું જેમાં તે મૂળ રીતે ગાયુ જ નથી.' તેણે જણાવ્યું કે, 'જ્યારે હું એક ફોટોશૂટમાં વ્યસ્ત હતો ત્યારે મને સમાચાર મળ્યા કે, મારું ગીત એક સાથે ચાર અલગ-અલગ ચાર્ટમાં ટોચ પર છે. એક અલગ ભાષા અને સંસ્કૃતિમાં મારા ગીતને આટલો પ્રેમ મળવો એ મારા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી.'
'ધુરંધર'ની 'જાન' બન્યું આ ગીત
ફિલ્મ ધુરંધરમાં Fa9la ગીત એક મહત્વપૂર્ણ મોડ પર આવે છે, જ્યારે અક્ષય ખન્નાનું પાત્ર હથિયારોની ડિલ માટે બલૂચ પહોંચે છે. ગીતની જબરદસ્ત એનર્જી અને કમાલની બીટે દર્શકોને નાચવા પર મજબૂર કરી દીધા. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ આ ગીત થિયેટરમાંથી નીકળીને સીધુ લોકોના ફોન સુધી પહોંચી ગયું. આજે ઈન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યુબ શોટ્સ અને મીમ્સની દુનિયામાં આ ગીતનો દબદબો છે. ફિલ્મની કમાણીમાં પણ આ ગીતનું મોટું યોગદાન છે.
બીજી તરફ ભારત તરફથી મળી રહેલા પ્રેમને જોઈને ફ્લિપરાચી ખૂબ જ ઈમોશનલ થઈ ગયો છે. તેણે જણાવ્યું કે, 'મારા સોશિયલ મીડિયા ઈનબોક્સ (DMs) દરરોજ હજારો મેસેજથી ભરેલું રહે છે. લોકો મને ગીત પર બનેલા વીડિયોમાં ટેગ કરી રહ્યા છે અને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.'
તમને જણાવી દઈએ કે, Fa9la ગીત 4 મોટા ચાર્ટર્સ- 100 આર્ટિસ્ટ, હોટ 100 ગીતો, ટોપ 50 ખલીજી અને ટોપ 50 અરબી હિપ હોપ, બધા બિલબોર્ડ અરેબિયા દ્વારા બનાવવામાં આવેલા ટાર્ટર્સ પર ટોપ પર પહોંચી ગયું છે.
ટૂંક સમયમાં ભારતના ટૂર પર ફ્લિપરાચી
સિંગર અને રેપર ફ્લિપરાચીના ઈન્ડિયા ટૂરની શરૂઆત 14 માર્ચ, 2026થી થશે. ફ્લિપરાચીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા આ અંગે જાણકારી આપી છે. મ્યૂઝિક ટૂરની બાકીની તારીખો અને શહેરોની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. તેના માટે તેણે ભારતીય ચાહકો પાસેથી સૂચનો માગ્યા છે.


