Dharmendra Health Update: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચારથી ચિંતા ફેલાઈ હતી, પણ હવે તેમની તબિયત સારી છે અને ચિંતા કરવા જેવું કંઈ નથી. તેમને શુક્રવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ જવાયા હતા. માહિતી મુજબ, શ્વાસ ફૂલવાની ફરિયાદને કારણે ધર્મેન્દ્ર હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
હાલ ધર્મેન્દ્રની હાલત સ્થિર છે
ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર શુક્રવારે સાંજે ચર્ચામાં આવવા લાગ્યા હતા. ત્યારબાદ અભિનેતાની તબિયત અંગે હોસ્પિટલના સ્ટાફએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ધર્મેન્દ્રની હાલત સ્થિર છે અને ચિંતા કરવા જેવું કંઈ નથી. તેમના પેરામીટર બરાબર છે-જેમાં હૃદયના ધબકારા 70 અને બ્લડ પ્રેશર 140 થી 80 છે.'
જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં ધર્મેન્દ્રની આંખની સર્જરી થઈ હતી. આંખ પર પાટો બાંધીને હોસ્પિટલમાંથી બહાર નીકળતા તેમનો એક વીડિયો પણ વાઈરલ થયો હતો. ત્યારબાદ પેપરાઝી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, 'હું સ્ટ્રોંગ છું. હજુ પણ ધર્મેન્દ્રમાં ઘણો દમ છે. હજુ જુસ્સો રાખું છું. મારી આંખ, આઈ ગ્રાફ્ટ (કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટેશન) થઈ ગઈ છે. હું મજબૂત છું. મારા દર્શકો અને મારા ચાહકોને પ્રેમ.'
આ પણ વાંચો: બોલિવૂડ સિતારાઓની હેલોવીન પાર્ટી, અલગ અંદાજ જોવા મળી આલિયા અને દિપીકા; જુઓ વીડિયો
આ દિગ્ગજ અભિનેતા 8 ડિસેમ્બર, 2025ના રોજ 90 વર્ષના થવાના છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ 'ઇક્કિસ'માં જોવા મળશે. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા, ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત અભિનીત આ આગામી ફિલ્મ યુદ્ધ ડ્રામા પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા ધર્મેન્દ્ર ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે.


