- ઘરે ચાર નર્સ અને ડોક્ટરની 24 કલાક ડયૂટી
- અમિતાભ બચ્ચન જાતે કાર ચલાવી ધર્મેન્દ્રના બંગલા સુધી ગયા પણ ભીડના કારણે મળ્યા વિના પરત
મુંબઇ : બોલિવૂડના વિખ્યાત પીઢ ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી બુધવારે સવારે સાડા સાત વાગ્યે રજા આપવામાં આવી હતી. એ પછી એમ્બ્યુલન્સમાં તેમને જુહુમાં આવેલાં તેમના ઘરે લઇ જવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર માટે ઘરમાં જ આઇસીયુ બનાવવામાં આવ્યો છે. તેમની તહેનાતમાં ચાર નર્સ અન ેએક ડોક્ટર સતત હાજર રહે છે. ધર્મેન્દ્ર પોતાના પરિવાર તેમની સાથે રહે તેમ ઇચ્છતા હોઇ દેઓલ પરિવારે તેમને ઘરે લઇ જવાનો નિર્ણય લીધો હતો.
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો. રાજીવ શર્માએ જણાવ્યું હતું કે જરૂરી સારવાર મેળવ્યા બાદ પુરા સંતોષ સાથે ધર્મેન્દ્રજી ઘરે ગયા છે. તેમના માટે ઘરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ડો. પ્રતીત સમદાનીએ જણાવ્યું હતું કે તેમની તબિયત સ્થિર છે અને તેમના વિશે ખોટા સમાચારો ફેલાવવાને બદલે તેઓ સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરો તો ડિસેમ્બરમાં તે તેમનો આગામી જન્મદિન ધામધૂમથી મનાવશે.
ધર્મેન્દ્રના પરિવારે પણ બાદમાં એક સ્ટેટમેન્ટ પ્રગટ કરીને જણાવ્યુ હતું કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને હવે ઘરે જ તેમની સારવાર આગળ વધારવામાં આવશે. મીડિયા તથા જાહેર પ્રજાને કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહેલા અને પરિવારની પ્રાઈવસીનો ખ્યાલ કરવા અમારી વિનંતી છે.
અમિતાભ બચ્ચન જાતે કાર ડ્રાઈવ કરીને પોતાના જૂના મિત્રની ખબર કાઢવા નીકળ્યા હતા. જોકે, ધર્મેન્દ્રના બંગલા બહાર તેમની કાર ફરતે મોટું ટોળું જામી ગયું હતું. આથી ભીડને ખાળવા તેઓ ધર્મેન્દ્રને મળ્યા વિના જ બહારથી પાછા ફર્યા હતા. દરમ્યાન બુધવારે અભિનેત્રી કાજોલ ધર્મેન્દ્રની તબિયત પૂછવા તેમના ઘરે પહોંચી ગઇ હતી.


