ધનુષ એપીજે અબ્દુલ કલામની ભૂમિકામાં જોવા મળશે
- ભારતીય સિનેમાની વધુ એક બાયોપિક જાહેર
- જોકે, આદિપુરુષમાં કાચું કાપનારા ઓમ રાઉતને દિગ્દર્શન સોપાતાં ચાહકોમાં શંકાકુશંકા
મુંબઈ : બોલીવૂડ અને સાઉથમાં પણ હાલ બાયોપિક બનાવવાનો ગાડરિયો પ્રવાહ ચાલ્યો છે. હવે દેશના અગિયારમા રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની બાયોપિક બનાવવામા ંઆવી રહી છે. મિસાઇલ મેન તરીકે જાણીતા કલામની ભૂમિકા આ ફિલ્મમાં દક્ષિણનો સુપર સ્ટાર ધનુષ ભજવશે તેમ જાણવા મળ્યું છે.
આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરવાના છે. ઓમ રાઉત અગાઉ 'આદિ પુરૂષ' નામની ફિલ્મનું નિર્દેશન કરી ચૂક્યા છે. પ્રભાસ અભિનિત 'આદિ પુરૂષ' ૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની હતી. ભારતમાં સૌથી ખર્ચાળ ફિલ્મોમાંની એક 'આદિપુરૂષ' ૨૦૨૩માં રજૂ થઇ હતી અને ફ્લોપ પુરવાર થઇ હતી.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૩૯૦ કરોડ રૂપિયાની કમાણી માંડ માંડ કરી શકી હતી. 'આદિપુરુષ'માં રાવણના પાત્રમાં સૈફના ગેટ અપ સહિત અનેક છબરડા વાળવામાં આવ્યા હતા. સમગ્ર ફિલ્મ તદ્દન કંગાળ સ્તરની બનતાં ઓમ રાઉતની ભારે ટીકા થઈ હતી. આથી એપીજે અબ્દૂલ કલામની બાયોપિકનું દિગ્દર્શન તેમને સોંપાતાં ફિલ્મ ચાહકોમાં શંકાકુશંકા થઈ રહી છે.
આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને અનિલ સુનકર સાથે મળીને કરી રહ્યા છે. ધનુષે ૨૦૧૩માં 'રાંઝણા' ફિલ્મ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. છેલ્લે તે 'અતરંગી ર'ે ફિલ્મમાં દેખાયો હતો. ૨૦૨૫માં પણ તેની ફિલ્મો 'કુબેરા', 'ઇડલી કડાઇ' અને 'તેરે ઇશ્ક મેં ' જોવા મળશે.