- ટીવી ચેનલોએ કાચું બાફ્યું, અનેક સેલિબ્રિટીઓએ પણ અંજલિ આપી દીધી
- હેમા માલિનીએ ગુસ્સો ઠાલવતાં ક્હ્યું, ચેનલો ભારે બેજવાબદારીથી વર્તી છે, આ કૃત્ય માફીને લાયક નથી
મુંબઇ : વિખ્યાત પીઢ ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્રની તબિયત લથડતાં સોમવારે સવારે તેમને દક્ષિણ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે સમયે જ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હોવાની અફવા ફેલાઇ હતી. એ પછી સોમવારે મોડી રાત્રે અને મંગળવારે પણ સવારે નવ વાગ્યાના સુમારે અગ્રણી સમાચાર ચેનલોએ ધર્મેન્દ્રનું અવસાન થયું હોવાના ખોટાં સમાચારો ફરી પ્રસારિત કરતાં સેલિબ્રિટીઓએ સોશ્યલ મિડિયા પર ધર્મેન્દ્રને અંજલિઓ પણ આપી દીધી હતી.
ધમેન્દ્ર વિશે ખોટી માહિતી ફરી ફેલાતાં હેમામાલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે તેના સત્તાવાર સોશ્યલ મિડિયા હેન્ડલ પર સ્પષ્ટતા કરી હતી કે સોશ્યલ મિડિયા પર ફરી રહેલી મારા પિતાના અવસાનની વાતો ખોટી છે અને તેમની તબિયત હાલ સ્થિર છે અને તેઓ સાજા થઇ રહ્યાં છે. તેમના અવસાનના અહેવાલો સદંતર ખોટાં છે. મિડિયા અતિઉત્સાહમાં આવી જઇ ખોટાં સમાચાર પ્રસરાવી રહ્યું છે. અમારા પરિવારની પ્રાઇવસી જાળવવા માટે અમે દરેક જણને વિનંતી કરીએ છીએ.
ભાજપની સાંસદ હેમા માલિનીએ પણ સોશ્યલ મિડિયા પર તેનો આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે હાલ જે બની રહ્યું છે તે માફીને પાત્ર નથી. જે વ્યક્તિ સારવારનો પ્રતિભાવ આપી સાજી થઇ રહી હોય તેના વિશે જવાબદાર ચેનલ્સ ખોટાં સમાચાર કેવી રીતે પ્રસારિત કરી શકે? આ અત્યંત અનાદરભર્યું બેજવાબદારકૃત્ય છે. પરિવારને યોગ્ય આદર અને તેની પ્રાઇવસીની જરૂરિયાતને આદર આપો.
મંગળવારે સવારે ટીવી ચેનલોએ ધર્મેન્દ્રના અવસાનના સમાચારો પ્રસારિત કરતાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ગીતકાર જાવેદ અખ્તરે એક્સ પર તેમને શ્રદ્ધાંજલિ આપી દીધી હતી. એ પછી એશા દેઓલ અને હેમામાલિનીએ ધર્મેન્દ્ર વિશેની અફવાઓને નકારી કાઢી હતી. હેમામાલિનીની પોસ્ટ બાદ અગ્રણીઓએ તેમની શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટો ડિલિટ કરી નાંખી હતી. દરમ્યાન આ ખોટાં સમાચારો પ્રસારિત કરનારી ટીવી ચેનલ્સે આ મામલે કોઇ સ્પષ્ટતા કરવાનું પણ મુનાસિબ માન્યું નહોતું.
સોમવારે હેમામાલિની, સની દેઓલ તથા તેની પત્ની તાન્યા ઉપરાંત ગોવિંદા, અમીષા પટેલ, શાહરૂખ ખાન અને સલમાનખાને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જઇ ધર્મેન્દ્રની તબિયતની સંભાળ લીધી હતી. મંગળવારે સવારે સની દેઓલે તેમના પુત્રો રાજવીર અને કરણ સાથે હોસ્પિટલમાં દેખાયા હતા. મંગળવારે સાંજે હેમામાલિકીએ બ્રીચ કેન્ડી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ચાહકોને જણાવ્યું હતું કે અમે તેમની તબિયત જલદી સુધરી જશે તેવી આશા રાખીએ છીએ. ૮૯ વર્ષના ધર્મેન્દ્રને ગયા અઠવાડિયે રૂટિન ચેક અપ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પછી તેમની તબિયત નરમગરમ રહી છે.


