સોનૂ સૂદ અને અક્ષય કુમારને ભારત રત્ન આપવાની સોશિયલ મીડિયા પર માંગણી
- લોકડાઉન દરમિયાન લોકોને કરેલી મદદને કારણે પ્રશંસકો તેમને રિયલ હીરો ગણાવી રહ્યા છે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.29 જૂન 2020, સોમવાર
કોરોના વાયરસનો પ્રકોપ વધતો જાય છે. તેવામાં સરકાર અને સ્વાસ્થયકર્મીઓ કોરોનાના જંગ સામે રાત-દિવસ લડી રહ્યા છે. તેમજ ફિલ્મ સિતારાઓ લોકડાઉનના કારણે જરૂરિયાતોને મદદ કરી રહ્યા છે. જેમાં સોનૂ સૂદથી લઇ સલમાન ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ સહિત અન્ય કલાકારોએ જરૂરિયાતોને મદદ કરી છે. આ દરમિયાન સોનૂ સૂદ અન ેઅક્ષય કુમારના પ્રશંસકો તેમને ભારત રત્ન આપવાની માંગણી કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સોનૂ સૂદ અને અક્ષય કુમારને ભારત રત્ન આપવાની માંગણી ઉઠી છે. તેમના ચાહકો કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને દરેક પ્રકારની મદદ કરવાને માટે આ માંગ કરી રહ્યા છે. સોનૂ અને અક્ષયની તસવીરો પણ તેમના પ્રસંશકોએ સોશયિલ મીડિયા પર શેર કરી છે.
એક યુઝરે ટ્વીટર પર લખ્યું હતું કે, આ બન્ને સિતારાઓ કારકિર્દીમાં પણ અવ્વલ છે અને બન્નેએ હાલની પરિસ્થિતિમાં લોકોને જે રીતે મદદ કરી છે તે જોતાં લાગે છે કે તે ભારત રત્નને લાયક છે.
તો વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે, આ બન્ને જણા ફક્ત રીલ લાઇફમાં જ નહીં પરંતુ રિયલ લાઇફમાં જ હીરો છે.
અન્ય એક યુઝરે લખ્યું છે કે, અક્ષય અને સોનૂ સૂદે દિલથી લોકોને મદદ કરી છે. આ બન્ને ભારત રત્ન માટે લાયક છે.
ઉલ્લેખનીય છે કે, સોનૂએ પરપ્રાંતીયોને તેમના ઘરે પહોંચાડાવમાં મહત્વનો અને મુખ્ય ભાગ ભજવ્યો છે.
અક્ષય કુમારે પીએમ કેયર ફંડમાં આર્થિક મદદ કરી છે તેમજ મેડિકલ સ્ટાફ અને બીએમસી કર્માચારીઓ તેમજ પોલીસોને પણ સ્વાસ્થય સુરક્ષા કિટ મોકલી હતી.